Get The App

Satish Shah Birthday: બોલીવુડના આ કોમેડિયને એક જ સીરિયલમાં 55 અલગ-અલગ પાત્ર નિભાવ્યા હતા

Updated: Jun 25th, 2023

GS TEAM

Google News
Google News
Satish Shah Birthday: બોલીવુડના આ કોમેડિયને એક જ સીરિયલમાં 55 અલગ-અલગ પાત્ર નિભાવ્યા હતા 1 - image

Image Source: Twitter

- અભિનેતાએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 1970માં ભગવાન પરશુરામ ફિલ્મથી કરી હતી

મુંબઈ, તા. 25 જૂન 2023, રવિવાર

બોલીવુડની દુનિયામાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ એક સમયે ઈન્ડસ્ટ્રીનો મહત્વનો હિસ્સો રહી ચૂક્યા છે અને પોતાની પ્રતિભાથી પોતાના ચાહકોનું ખૂબ મનોરંજન કરતા હતા. આમાંથી એક નામ સતીશ શાહનું પણ છે. સતીશ શાહે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની કોમિક ટાઈમિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે. આજે ભલે તેઓ પહેલા કરતા ઓછી ફિલ્મોમાં નજર આવે છે પરંતુ એક સમય એવો હતો જ્યારે દિગ્દર્શકો દ્વારા તેની માંગ હતી. ફિલ્મો ઉપરાંત તેમણે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. આજે અભિનેતાના જન્મદિવસ પર તેમની કેટલીક ખાસ વાતો જાણીએ.

અભિનેતાએ કરિયરની શરૂઆત વર્ષ 1970માં ભગવાન પરશુરામ ફિલ્મથી કરી 

સતીશ શાહનો જન્મ 25 જૂન 1951ના રોજ મુંબઈમાં થયો હતો. અભિનેતાએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 1970માં ભગવાન પરશુરામ ફિલ્મથી કરી હતી. ત્યારબાદ તેઓ બોલીવુડની અનેક ફિલ્મોમાં નજર આવ્યા હતા. ટીવીમાં ડેબ્યુ કરતા પહેલા તેઓ અરવિંદ દેસાઈની અજીબ દાસ્તાન, આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યૂં આતા હૈ, ઉમરાવ જાન, શક્તિ, જાને ભી દો યારોં, પુરાણ મંદિર, અનોખા રાસ્તા, માલામાલ, અર્ધ સત્ય, મોહન જોશી હાજીર હો અને ભગવાન દાદામાં જેવી ફિલ્મોમાં નજર આવી ચૂક્યા હતા. 

Satish Shah Birthday: બોલીવુડના આ કોમેડિયને એક જ સીરિયલમાં 55 અલગ-અલગ પાત્ર નિભાવ્યા હતા 2 - image

સતીશ શાહે સિરિયલ યે જો હૈ જિંદગીમાં 55 અલગ-અલગ પાત્ર નિભાવ્યા હતા

સતીશ શાહે તેમની પહેલી જ સિરિયલમાં કમાલ કરી દીધો હતો. તેમણે સિરિયલ યે જો હૈ જિંદગીથી ડેબ્યુ કર્યું હતું અને આ સિરિયલમાં તેમણે 55 અલગ-અલગ પાત્ર નિભાવ્યા હતા. તેમના અભિનયના ખૂબ વખાણ થયા હતા અને તેમણે વિવિધ પાત્રોની મદદથી ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. આ સિરિયલમાં શાફી ઈનામદાર અને સ્વરૂપ સંપતે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

 હાલમાં અભિનેતા લાઈમલાઈટથી દૂર

સતીશ શાહે બોલીવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. અભિનેતાની છેલ્લી કેટલીક ફિલ્મોની વાત કરીએ તો તે શાહરૂખ ખાનની ફિલ્મ રાવણમાં નજર આવ્યા હતા. આ ઉપરાંત તેઓ રમૈયા વસ્તાવૈયા, હમશકલ્સ, ક્લબ 60 અને ડંકી જેવી ફિલ્મોનો પણ ભાગ રહી ચૂક્યા છે. હાલમાં અભિનેતા લાઈમલાઈટથી દૂર પોતાના અંગત જીવનનો આનંદ માણી રહ્યા છે.