બોલિવૂડમાં નવો વિવાદ: દીપિકા પાદુકોણ પર કેમ ભડક્યો સંદીપ રેડ્ડી વાંગા? કહ્યું- તે બતાવી દીધું કે તું કેવી છે
Sandeep Reddy Vanga And Deepika Padukone: ફિલ્મ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકા ભજવવાની હતી, પરંતુ થોડા સમય પહેલા સમાચાર આવ્યા કે અનપ્રોફેશનલ વર્તનના કારણે દીપિકા સાથે આ ફિલ્મનો કોન્ટ્રાક્ટ તોડી નાંખવામાં આવ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ધીમે ધીમે ફિલ્મને લગતી માહિતી બહાર આવવા માંડી. આ કારણસર સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકા પાદુકોણનું નામ લીધા વિના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને ખરુંખોટું સંભળાવી દીધું છે. વાંગાએ લખ્યું છે કે, એક અભિનેતા અને ફિલ્મ નિર્માતા વચ્ચે એક વણલિખિત કરાર હોય છે કે તેઓ ફિલ્મ સંબંધિત માહિતી લીક નહીં કરે.
દીપિકા પાદુકોણેએ આકરી શરતો મૂકી હતી
આ દરમિયાન સોશિયલ મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે, દીપિકા પાદુકોણ હવે પ્રભાસની ફિલ્મ 'સ્પિરિટ'માં કામ નહીં કરે. પહેલા એવું કહેવાતું હતું કે આ ફિલ્મ માટે દીપિકાને મોટી ફી આપીને સાઇન કરાઈ હતી, પરંતુ દીપિકાની શરતો હતી કે હું ફક્ત 8 કલાક જ કામ કરીશ. આ ઉપરાંત તેલુગુ ડાયલોગ નહીં બોલું.
આ સિવાય નફામાં પણ હિસ્સો લેવાની શરત મૂકી હોવાના વાત સામે આવી હતી. જોકે આ સમાચાર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી ન હતી, પરંતુ થોડા દિવસો પછી નવી માહિતી આવી કે હવે તૃપ્તિ ડિમરી 'સ્પિરિટ'માં પ્રભાસની સામે જોવા મળશે.
ધીમે ધીમે 'સ્પિરિટ' સંબંધિત વિગતો લીક થવા લાગી
આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા કે દીપિકા પાદુકોણે બોલ્ડ સીનના કારણે આ ફિલ્મ છોડી દીધી છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર એવા સમાચારો પણ ફરી રહ્યા છે કે આ વખતે સંદીપ રેડ્ડી વાંગા 'એ' રેટેડ ફિલ્મ બનાવીને બધાને ચોંકાવી દેશે. આમ, આ ફિલ્મ વિશે એક પછી એક સમાચાર આવતા રહ્યા, જે સંદીપ રેડ્ડી વાંગાને પસંદ ના પડ્યું અને તેમણે દીપિકા પાદુકોણની 'સસ્તી પીઆર ટ્રીક્સ' માટે X પર પોસ્ટ કરીને તેની ટીકા કરી દીધી.
નેક્સ્ટ ટાઈમ આખી સ્ટોરી કહી દેજે, મને ફરક નથી પડતો
આ પોસ્ટમાં સંદીપ રેડ્ડી વાંગાએ કોઈનું નામ લીધા વિના લખ્યું છે કે, 'હું એક અભિનેતા પર 100% વિશ્વાસ કરું છું. જ્યારે હું તેમને સ્ટોરી જણાવું છું ત્યારે અમારી વચ્ચે એક અસ્પષ્ટ NDA (નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ) હોય છે. પરંતુ તારાથી નાની અભિનેત્રીનું અપમાન કરીને અને મારી સ્ટોરી જાહેર કરીને તે જણાવી દીધું કે તું કેવા પ્રકારની વ્યક્તિ છે. આ જ તારું ફેમિનિઝમ છે? એક ફિલ્મ નિર્માતા તરીકે મેં વર્ષોથી મારા કામ પર સખત મહેનત કરી છે અને મારા માટે, ફિલ્મ નિર્માણ જ બધું છે પણ આ વાત તુ નહીં સમજી શકે.'
'કબીર સિંહ' અને 'એનિમલ' જેવી બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપનારા સંદીપ રેડ્ડી વાંગાએ પોસ્ટમાં લખ્યું છે કે, 'એક ફિલ્મ મેકર તરીકે અમે અમારી કળા માટે વર્ષો સુધી સખત મહેનત કરીએ છીએ. મારા માટે ફિલ્મમેકિંગ જ સર્વસ્વ છે.'
આ પોસ્ટમાં સંદીપ વાંગા રેડ્ડીએ dirtyPRGames હેશટેગ કર્યું છે અને છેલ્લે લખ્યું છે કે, ‘એક કહેવત મને બહુ ગમે છે. ખુંદર મેં બિલ્લી ખંભા નોચે.’ કોઈ વાત પર શરમ અનુભવીને ગુસ્સો કરનારી વ્યક્તિ વિશે આ કહેવતનો ઉપયોગ થાય છે.