Warrant issued against Salman Khan : બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો છે. આ વખતે મામલો કોઈ ફિલ્મી વિવાદ કે શિકારનો નથી, પરંતુ પાન મસાલાની જાહેરાતનો છે. જયપુરની એક કોર્ટે સલમાન ખાન વિરુદ્ધ 10,000 રૂપિયાનું જામીનપાત્ર વોરંટ (Bailable Warrant) જારી કર્યું છે.
શું છે સમગ્ર મામલો?
રાજસ્થાનના જયપુરમાં એડવોકેટ શાલીની શર્મા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સલમાન ખાન પાન મસાલા જેવી હાનિકારક વસ્તુઓનું પ્રમોશન કરી રહ્યો છે. જે સમાજ અને ખાસ કરીને યુવા પેઢી પર નકારાત્મક અસર કરે છે. અગાઉ પણ કોર્ટે આ મામલે સલમાન ખાનને હાજર રહેવા માટે સમન્સ જારી કર્યા હતા, પરંતુ તે કોર્ટમાં હાજર રહ્યો નહોતો.
કોર્ટની કડક કાર્યવાહી સલમાન ખાન કોર્ટમાં સતત ગેરહાજર રહેતો હોવાથી, એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) કોર્ટ-4 એ આ બાબતને ગંભીરતાથી લીધી છે. કોર્ટે હવે 10,000 રૂપિયાનું જામીનપાત્ર વોરંટ જારી કરીને તેને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે.
સેલિબ્રિટીઝ અને પાન મસાલા વિવાદ
નોંધનીય છે કે, પાન મસાલા અને સરોગેટ એડવર્ટાઇઝિંગ (પરોક્ષ જાહેરાત) મામલે અગાઉ પણ અજય દેવગન, અક્ષય કુમાર અને શાહરૂખ ખાન જેવા દિગ્ગજ કલાકારો વિવાદમાં આવી ચૂક્યા છે. જોકે, સલમાન ખાન વિરુદ્ધ આ પ્રકારે વોરંટ જારી થતા આ મામલો વધુ ગંભીર બન્યો છે.


