બજરંગી ભાઈજાન ટૂને બદલે ગલવાન વેલીની ફિલ્મ માટે સલમાનને ઉતાવળ
- આર્મી ઓફિસરના રોલ માટે તલપાપડ
- બોલીવૂૂડમાંથી થોડા સમય માટે બ્રેક લેવાને બદલે હવે નવી ફિલ્મની તૈયારી શરૂ કરી
મુંબઇ : હાલના માહોલને ધ્યાને રાખીને સલમાને 'બજરંગી ભાઈજાન ટૂ' માંડી વાળી છે અનેે તેને બદલે ચાઈના સાથે ગલવાન વેલીમાં થયેલી લડાઈ પર આધારિત ફિલ્મ માટે ઉતાવળ શરુ કરી છે.
ઉલ્લેખનીય છે કે 'બજરંગી ભાઈજાન' ફિલ્મમાં પાકિસ્તાનનું બેકગ્રાઉન્ડ હતું. બીજા ભાગની સ્ટોરી હજુ સ્પષ્ટ નથી. પરંતુ, સલમાન હાલના માહોલમાં આર્મી ઓફિસરનો રોલ કરવા માટે તલપાપડ બન્યો હોવાનું કહેવાય છે.
સલમાન ખાનની ફિલ્મો બોક્સઓફિસ પર નિષ્ફળ જઇ રહી છે. અભિનેતાએ હવે વોર ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે આગામી પાંચ મહિનામાં જ ગલવાન વેલી પર બનનારી વોર ડ્રામા ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
અભિનેતાએ હજી સુધી આ ફિલ્મ સાઇન કરી નથી, પરંતુ અપૂર્વ લાખિયાને તેણે આ ફિલ્મ માટે લીલી ઝંડી દેખાડી દીધી છે.
સલમાનની 'સિકંદર' બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાતા તે બોલીવૂડથી થોડો સમય બ્રેક લેવાના મુડમાં હતો. પરંતુ હવે કહેવાય છે કે તે વોર ડ્રામા ફિલ્મ માટે ઉતાવળ કરી રહ્યો છે.