Get The App

સૈફ અલી ખાન પર ઘરમાં જ ભેદી હુમલો ચોરે ચાકુના ઘા મારતાં ગંભીર ઈજા

Updated: Jan 17th, 2025

GS TEAM

Google News
Google News
સૈફ અલી ખાન પર ઘરમાં જ ભેદી હુમલો ચોરે ચાકુના ઘા મારતાં ગંભીર ઈજા 1 - image

- અલ્ટ્રા સેફ ઘરમાં 12મા માળ સુધી ચોર કેવી રીતે પહોંચ્યો તે રહસ્ય

- સૈફના સ્ટાફની મહિલાનો પરિચિત હોવાની પણ ચર્ચા : પોલીસના દાવા અનુસાર ચોર સીડી દ્વારા ચઢ્યો અને ત્યાંથી જ ઉતરીને ભાગી પણ ગયો 

- સૈફને કરોડરજ્જુ પાસે છરીનો અઢી ઈંચનો ટૂકડો ઘૂસી ગયો : ગંભીર ઈજાઓથી પ્લાસ્ટિક સર્જરી કરવી પડી

મુંબઇ : મુંબઈમાં બાંદરા વિસ્તારમાં સૈફ અલી ખાનના ૧૨ મા માળે આવેલા ફલેટમાં ઘૂસેલા એક અજાણ્યા શખ્સે તેના પર હુમલો કરી ચાકુના ઘા મારતાં સૈફને ગંભીર ઈજાઓ થઈ હતી. સૈફને તત્કાળ બાંદરાની હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ઓપરેશન કરી તેની કરોડરજ્જુ પાસે ઘૂસી ગયેલો અઢી ઈંચનો ચાકુનો ટૂકડો બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેને ગરદન, ખભા તથા કાંડાના ભાગે પણ ઈજાઓ થઈ હતી. જોકે, આ બનાવ અંગે ભારે તર્કવિતર્ક સેવાઈ રહ્યા છે. પોલીસના તથા સૈફની ટીમના દાવા અનુસાર એક ચોર ચોરી કરવાના ઈરાદે  ઘૂસ્યો હતો. તે સીડી વાટે ફલેટમાં આવ્યો હતો અને ત્યાંથી જ ભાગ્યો હતો. પરંતુ, સૈફ જેવી સેલિબ્રિટીનું નિવાસસ્થાન ભારે કડક સિક્યોરિટી ધરાવતી બિલ્ડિંગમાં છે. તેવા સંજોગોમાં કોઈ ચોર છેક ફલેટમાં પહોંચી જાય અને હુમલો કરીને પાછો ફરાર પણ થઈ શકે તે વાત ચાહકોના ગળે ઉતરતી નથી. આ ચોર સૈફની એક મહિલા સ્ટાફનો પરિચિત હોવાની પણ થિયરી વહેતી થઈ છે. પોલીસે હાલ તો ૧૫ ટીમો રચી આ હુમલાખોરની ભાળ મેળવવા  તપાસ ચાલુ કરી છે. 

પોલીસના દાવા અનુસાર આરોપી ચોરીના ઇરાદે ઘરમા ઘૂસ્યો હોવાનું કહેવાય છે. તે હુમલા બાદ બિન્દાસ્તપણે બિલ્ડીંગમાંથી સીઢીથી નીચે ઉતરી નાસી ગયો હતો. દરમિયાન તે સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયો હતો. મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પણ કેસની તપાસ કરી રહી છે અને  લગભગ ૧૫ ટીમ બનાવવામાં આવી છે. સૈફ પર એટેક બાદ સેલિબ્રિટીની સુરક્ષાને લઇને ફરી સવાલ ઉભો થયો છે.બાંદરામાં 'સતગુરુ શરણ' બિલ્ડિંગમાં સૈફના ઘરમાં ગઇકાલે રાતે ૨.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. અભિનેતાના ઘરમાં કામ કરતી એરિયામાં ફિલિપ્સ ઉર્ફે લિમાની ફરિયાદના આધારે બાંદરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તેની સામે ટ્રેસ પાસિંગ, ચોરી, હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

લિમા સૈફના પુત્ર તૈમુરના કેરટેકર તરીકે લિમા  કરે છે. તેણે આપેલી ફરિયાદ મુજબ ઘરમાં ઘૂસી આરોપી કંઇક શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે લિમાએ બૂમો પાડી હતી. આરોપીએ તેની મારપીટ કરી હાથ પર ચાકૂથી હુમલો કર્યો હતો. લિમાનો અવાજ સાંભળીને બાજુની રૂમમાં સૂતેલો સૈફ મદદ માટે દોડી આવ્યો હતો સૈફે તેનો બહાદુરી પૂર્વક સામનો કરી પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ  ઝપાઝપીમાં હુમલાખોરે સૈફ પર ચાકૂના છ વાર કર્યા હતા. ત્યારબાદ આરોપી બિલ્ડીંગની સીડી ઉતરીને પલાયન થઇ ગયો હતો.

સૈફને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ડોક્ટરના જણાવ્યા મુજબ ઇમરજન્સી સર્જરી બાદ ૫૪ વર્ષીય સૈફ ખતરાની બહાર છે તેની કરોડરજ્જુમાંથી ચાકૂના ૨.૫ ઇંચનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો છે. 

ન્યૂરોસર્જન ડો. નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન ડો. લીના જૈન અને એનેસ્થેસિયોલોજિસ્ટ ડો. નિશા ગાંધીના માર્ગદર્શન હેઠળ ડોક્ટરોની ટીમ દ્વારા સૈફનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. નિરજ ઉતમાણીએ જણાવ્યું હતું કે તેમને છ ઇજા થઇ છે. એમાં બે નાની, બે ઊંડી ઇજા છે. એક ઇજા પીઠ પર છે જે કરોડ રજ્જુની નજીક છે.

સૈફને ચાકૂના કારણે તેની થોરાસિક સ્પાઇનમાં મોટી ઇજા થઇ હતી. ચાકૂના ટુકડાને કાઢવા કરોડરજ્જુની સારવાર માટે સર્જરી કરવામાં આવી હતી. અભિનેતાની ડાબા હાથમાં અને ગરદનની જમણી બાજુએ અન્ય બે ઉંડા ઘા હતા. જ્યાં ે પ્લાસ્ટિક સર્જરી ટીમ દ્વારા  સારવાર અપાઈ હતી.

ડો. ઉતમાણીની જણાવ્યા મુજબ સૈફને આઇસીયુમાં ખસેડવામાં આવ્યો છે. કદાચ એક-બે દિવસમાં તેને નોન-આઇસીયુ વોર્ડમાં ખસેડવામાં  આવશે.

હુમલા વખતે કરીના ઘરમાં હતી કે પછી પાર્ટીમાં ગઈ હતી ? 

મુંબઇ : કરીના તથા સૈફની ટીમના દાવા અનુસાર હુમલા વખતે કરીના કપૂર ઘરમાં જ હતી. પરંતુ, કેટલાક અહેવાલો ઉપરાંત એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા  એવું માનવામાં આવે છે કે આ હુમલો થયો ત્યારે  કરીના કપૂર સોનમ કપૂર અને તેની બહેન રિયા સાથે પાર્ટી કરી રહી હતી.

કહેવાય છે કે કરીના પાર્ટીમાં હતી ત્યારે તેને આ હુમલા વિશે જાણ થઈ હતી. તે પછી તે થોડીવારમાં સીધીહોસ્પિટલ પહોંચી હતી. એક વીડિયોમાં કરીના કપૂર હોસ્પિટલની બહાર સ્ટાફને કોઈ સૂચના આપતી પણ દેખાય છે. જોકે, સૈફ અને કરીનાની ટીમના દાવા અનુસાર બનાવ બન્યો ત્યારે સૈફ ઉપરાંત કરીના તથા તેમનાં સંતાનો તૈમુર અને જેહ ઘરમાં જ હતાં. 

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને તપાસ

ઘૂસણખોરે જેહના રૂમમાં પ્રવેશી એક કરોડની ખંડણી માગી હતી

- લાકડી તથા હેકસો બ્લેડ જેવી વસ્તુઓ લઈને આવ્યો હતો, ઝપાઝપીમાં કેરટેકરને ઈજા થઈ

મુંબઇ : બોલીવુડના એક્ટર સૈફ અલીખાન પર નેતા ઘરમાં ઘુસેલા અજાણ્યા ઘૂસણખોરે કરેલા હુમલા બાબતની ચોંકાવનારી વિગત પોલીસને આપતા સૈફના ઘરની સ્ટાફ નર્સે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ઘૂસણખોરે એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. આ કેસની ફરિયાદી એલિયામા ફિલીપે જણાવ્યું હતું કે અજાણ્યો ઘૂસણખોર સૌ પ્રથમ સૈફ અને કરીના કપૂર ખાનના નાના પુત્ર જેહની રૂમમાં પ્રવેશ્યો હતો. 

એલિયાના ફિલીપના જણાવ્યાનુસાર તે જેહ માટે કેરટેકર અને નર્સનું કામ કરે છે. અને રાત્રે ૧૧ વાગ્યે તેને ડીનર કરાવી એજ રૂમમાં સૂઇ ગઇ હતી.રાત્રે બે વાગ્યે જેહની રૂમમાંથી અવાજ આવતા અને બાથરૂમની લાઇટ ચાલુ જોવા મળતા તે ઝબકી ગઇ હતી અને બાથરૂમમાં કોણ છે તે જોવા ઉઠી ત્યારે એક અજાણ્યો બટકો પાતળો માણસ બહાર આવ્યો હતો. તે જેહના પલંગ તરફ જઇ રહ્યો હતો ત્યારે તે વ્યક્તિ અચાનક તેની તરફ વળ્યો હતો અને તેની તરફ આંગળી કરી હિન્દીમાં કોઇ અવાઝ નહીં તેવું કહ્યું હતું.

ફિલીપના નિવેદન મુજબ તેમ છતા તે જ્યારે જેહને ઉઠાવવા ગઇ ત્યારે ડાબા હાથમાં લાકડીની છડી અને જમણા હાથમાં હેક્સો બ્લેડ જેવી વસ્તુ ધરાવતો આ અજાણ્યો વ્યક્તિ તેની તરફ ધસી આવ્યો હતો. આ બંને વચ્ચે થયેલી ઝપાઝપીમાં ફિલીપને હાથમાં બ્લેડથી ઇજા પહોંચી હતી. આ સમયે ફિલીપે તેને પૂછયું કે તને શું જોઇએ છે ત્યારે તેણે તેને એક કરોડ રૂપરિયા જોઇએ છે તેવું તેણે કહ્યું હતું. 

ફિલીપ ખાન દંપત્તિ સાથે છેલ્લા ચાર વર્ષથી કામ કરે છે. આ સમયે ત્યાં હાજર આયાએ મદદ માટે બૂમો પાડતા સૈફ અને કરીના ત્યાં ધસ આવ્યા હતા. આ દરમિયાન અજાણ્યા ઘૂસણખોરે સૈફ અલી પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન ઘરમાં હાજર અન્ય સ્ટાફ પણ મદદ માટે ધસી આવ્યા હતા. આ  દરમિયાન ફિલીપ અને અન્યો ડરના માર્યા રૂમમાંથી બહાર દોડી આવ્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને ઘૂસણખોર ભાગી છુટયો હતો.