હું પોતે પણ નેપોટિઝ્મનો શિકાર બન્યો છું : સૈફ અલી ખાન
- ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા નેપોટિઝ્મ વિવાદમાં બોલીવુડના નવાબે પણ પોતાના વિચાર રજૂ કર્યા
નવી દિલ્હી, તા. 02 જુલાઇ 2020, ગુરુવાર
બોલીવુડમાં નેપોટિઝ્મને લઇને વિવાદ છેડાઇ ચુક્યો છે. અત્યાર સુધીમાં તો માત્ર કંગના રનૌત જેવા કેટલાક સેલેબ્રિટીઝે નેપોટિઝ્મને લઇને પોતાની આપવીતી કહી ચુક્યા છે, પરંતુ હવે બોલીવુડના દિગ્ગજ કલાકારો પણ આગળ આવીને નેપોટિઝ્મ પર પોતાના વિચારો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. બોલીવુડના નવાબ સૈફ અલી ખાને નેપોટિઝ્મ પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
અભિનેતા સૈફ અલી ખાને બૉલીવુડમાં લાંબા સમયથી સક્રિય છે અને તેમના પરિવારના આ ઇન્ડસ્ટ્રી સાથે ઘણા કૉન્ટેક્ટ્સ જોવા મળે છે. તેમ છતાં સૈફ અલી ખાન અનુસાર તેઓ પોતે નેપોટિઝ્મનો શિકાર થયા છે. તેમના કરિયર પર પણ નેપોટિઝ્મની અસર જોવા મળી છે. સૈફે કહ્યુ, 'નેપોટિઝ્મનો શિકાર તો હું પણ બન્યો છું. પરંતુ કોઇને પણ તેમાં રસ નથી. બિઝનેસ આવી રીતે જ ચાલે છે. હું હવે નામ તો ન લઇ શકું પરંતુ ઘણીવાર એવું બન્યુ હતુ કે કોઇના પિતાનો ફોન આવતો કે આ ફિલ્મમાં સૈફને ન લેતા. આ બધું બનતુ રહ્યું છે અને મારી સાથે પણ બન્યુ છે.'
સૈફ પોતે આ નેપોટિઝ્મના કલ્ચરથી વધારે ખુશ નથી. તે સગાવાદને યોગ્ય નથી માનતા. તેમનું કહેવું છે કે - કોઇ વિશેષ વર્ગને વધારે તક આપવી અને વધારે ટેલેન્ટેડ લોકોને છોડી દેવા, આ બધું યોગ્ય નથી. નેપોટિઝ્મમાં સૌથી ખરાબ સ્થિતિ એવી સર્જાય છે કે ઘણીવાર સક્ષમ અને શ્રેષ્ઠ કલાકારોની અવગણના કરીને એવા લોકોને લેવામાં આવે છે જે વધારે ટેલેન્ટેડ નથી. હવે મારી પાસે તેનો કોઇ જવાબ તો નથી. પરંતુ આવું બનતું હોય છે.
સૈફે સુશાંત સિંહ રાજપૂતના નિધન પર પણ પોતાના વિચાર રજૂ કર્યા છે. સૈફ અનુસાર સુશાંત માનતા હતા કે ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ હોય છે. સૈફનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં આ સંઘર્ષ તો ચાલતા રહે છે. બસ બધાને હંમેશા સમાન તક મળવી જોઇએ. ત્યારે સૈફે ખુશી વ્યક્ત કરતા કહ્યુ છે કે કેટલાક આઉટસાઇડર્સે પોતાના દમ પર બોલીવુડમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. તેઓ પંકજ ત્રિપાઠી અને નવાજની સફળતાને જોઇને ઘણા ખુશ થયા છે.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ દિલ બેચારામાં સૈફ પણ કેમિયો રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સુશાંતની કો-સ્ટાર સંજના સંઘીને કાસ્ટ કરવામાં આવી છે. ફિલ્મને ડિઝની હૉટસ્ટાર પર 24 જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવશે.