Get The App

‘રાવણ’નું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીના મત્યુની અફવા વહેતી થઇ, પરિવારે સ્પષ્ટતા કરવી પડી

Updated: May 4th, 2020

GS TEAM

Google News
Google News


‘રાવણ’નું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીના મત્યુની અફવા વહેતી થઇ, પરિવારે સ્પષ્ટતા કરવી પડી 1 - image

તા.4 મે 2020, સોમવાર

લોકડાઉનના કારણે ઘરમાં કેદ થયેલા લોકો માટે 33 વર્ષ બાદ દૂરદર્શન પર ફરીથી રામાનંદ સાગર કૃત રામાયણનું પ્રસારણ થયું. જેણે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. વિશ્વમાં સૌથી વધારે દર્શકો સાથેની ધારાવાહિક બની. રામાયણની વાત આવે એટલે રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની સાથે અચુક યાદ આવે તેવુ પાત્ર એટલે રાવણ. રામાનંદ સાગરની આ રામાયણમાં રાવણનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું હતું. ત્યારે હાલમાં અરવિંદ ત્રિવેદીના નિધનની અફવા ફેલાઇ હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર તો લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પણ આપવાનું શરુ કરી દીધું.

તેવામાં અરવિંદ ત્રિવેદીના પરિવારે સામે આવીને સ્પષ્ટતા કરવી પડી છે કે તેઓ એકદમ સ્વસ્થ છે. તેમના મૃત્યુની વાત માત્ર અફવા છે. રવિવારે સવારથી જ સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવાએ જોર પકડ્યું હતું કે રામાનંદ સાગરની રામાયણમાં રાવણનું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું છે. ત્યારબાદ અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ ટ્વિટર પર આ અંગે સ્પષ્ટતા કરી. કૌસ્તુભે લખ્યું કે, અરવિંદ ત્રિવેદી એકદમ સ્વસ્થ છે, બધાને વિનંતિ છે કે આ પ્રકારની અફવા ના ફેલાવો.

માત્ર આટલું જ નહીં પણ ખુદ અરવિંદ ત્રિવેદીએ પણ આ અંગે ટ્વિટ કર્યુ ને લખ્યું કે, પ્રિય સર્વજન, લંકેશ એકદમ સ્વસ્થ છે. વિનંતી છે કે આ પ્રકારની અફવા ના ફેલાવો. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં અવારનવાર આપ્રકારની અફવાઓ ફેલાય છે. લોકો કંઇ પણ જાણ્યા કે જોયા વગર મેસેજ આગળ ફોરવર્ડ કરે છે, તેને ક્રોસ ચેક કરવાની તસ્દી પણ લેતા નથી. અને પરિણામે એક જીવિત વ્યક્તિને મૃત ઘોષિત કરી દે છે.

Tags :