આશા ભોંસલેના નિધનની અફવા ફેલાઈઃ પુત્રએ રદિયો આપ્યો
- સોશિયલ મીડિયા પર અફવા ચાલી
- આશાએ તાજેતરમાં ઉમરાવજાન ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી
મુંબઈ : બોલીવૂડનાં લિજન્ડરી સિંગર આશા ભોસલેનું નિધન થયું હોવાની અફવા સોશિયલ મીડિયા પર ફરી વળી હતી. આ અફવાએ એટલો ઉપાડો લીધો હતો કે છેવટે આશા ભોસલેના પુત્રએ જાહેર સ્પષ્ટતા કરવી પડી હતી કે તેમનાં માતા બિલકૂલ સ્વસ્થ છે.
જાણવા મળ્યા મુજબ એક ફેસબૂક યૂઝરે ૯૧ વર્ષીય આશા ભોંસલેની તસવીરને હાર પહેરાવાયો હોય તેવી ઈમેજ વાયરલ કરી દીધી હતી. જોત જોતામાં લોકો જુદાં જુદાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યાં હતાં.
કેટલાક લોકોએ આશા તાજેતરમાં જ તેમના સ્વ. પતિ આર.ડી. બર્મનની જન્મતિથિ નિમિત્તે તેમને અંજલિ આપતાં દેખાયાં હોવાનું યાદ પણ કર્યું હતું.
જોકે, આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે આ અફવા ખોટી છે. તેમનાં માતા બિલકૂૂલ સ્વસ્થ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રેખાની ફિલ્મ 'ઉમરાવજાન'નું ખાસ સ્ક્રિનિંગ યોજાયું હતું. આ વખતે ઉપસ્થિત રહેલાં આશા ભોંસલેએ ફિલ્મનું એક ગીત પણ લલકાર્યું હતું.