સુપરસ્ટાર મોહનલાલે મિત્ર મામૂટી માટે સબરીમાલામાં કરી પ્રાર્થના તો લોકો કેમ ભડક્યા? માફીની પણ માંગ
Mohanlal's Sabarimala pooja for Mammootty : મલયાલમ સિનેમાના આજ સુધીના સૌથી મોટા સુપરસ્ટાર નિર્વિવાદપણે મોહનલાલ જ છે. નજીકના ભવિષ્યમાં તેમની ફિલ્મ 'L2: Empuraan' રિલીઝ થવા જઈ રહી છે. મોટેભાગે એવું બનતું હોય છે કે ફિલ્મ રજૂ થવાની હોય ત્યારે એને સંબંધિત કોઈ વિવાદ છેડી દેવામાં આવે છે, જેથી ફિલ્મને મફતની પબ્લિસિટી મળી જાય. મોહનલાલ સાથે હાલમાં જે વિવાદ છેડાઈ ગયો છે એને એમની ફિલ્મ સાથે કોઈ લેવાદેવા નથી. તોય આ વિવાદ એવો છે કે લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે અને અભિનેતાનો વિરોધ કરવા લાગ્યા છે.
શું છે બનાવ?
64 વર્ષીય મોહનલાલે 18 માર્ચના રોજ કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં વિશેષ પૂજા કરી હતી. એ પૂજા તેમણે તેમના અભિનેતા મિત્ર સુપરસ્ટાર મામૂટીની તંદુરસ્તી માટે કરી હતી. મામૂટી અને મોહનલાલ ત્રણ દાયકાથી વધુ સમયથી મિત્રો છે. બંનેએ લગભગ 55 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. 73 વર્ષીય મામૂટી હાલ બીમાર છે. એક મિત્રએ બીજા મિત્ર માટે પૂજા કરી હતી, આટલી સાદી વાતમાં વિવાદ શા માટે છેડાઈ ગયો?
આ દરમિયાન મોહનલાલની પૂજાની રસીદ સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ હતી, જેના કારણે વિવાદ છેડાઈ ગયો છે. વાત એમ છે કે મોહનલાલ હિન્દુ છે અને મામૂટી મુસ્લિમ. લીક થયેલી રસીદમાં મામૂટીનું સાચું નામ મોહમ્મદ કુટ્ટી લખેલું હતું. એ જોયા બાદ ઘણાંને ખબર પડી કે મામૂટી મુસ્લિમ છે. આમ થતાં, હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકોની લાગણી દુભાઈ છે, બંને કોમના લોકો નારાજ થયા છે.
હિન્દુ-મુસ્લિમોને શું વાંધો પડ્યો?
આ બાબતે હિન્દુ લોકોનો એક વર્ગ એવો પ્રશ્ન ઉઠાવી રહ્યો છે કે, ‘શું ઈસ્લામમાં આસ્થા ધરાવતી વ્યક્તિ માટે હિંદુ મંદિરમાં પ્રાર્થના કરવી યોગ્ય છે?’ તો સામે મુસ્લિમોનો એક વર્ગ સવાલ કરે છે કે, ‘શું મામૂટીએ મોહનલાલને કહ્યું હતું કે એમના માટે પૂજા કરે? જો હા, તો આ ખોટું છે, મુસ્લિમે શા માટે તેના સ્વાસ્થ્ય માટે હિન્દુ મંદિરમાં પૂજા કરવા કહેવું જોઈએ?’
હવે હિંદુઓની માંગ છે કે, મુસ્લિમ માટે મંદિરમાં પૂજા કરવા બદલ મોહનલાલ માફી માંગે. એવી જ રીતે, મુસ્લિમોની માંગ છે કે, મામૂટીએ ઈસ્લામિક આસ્થા વિરુદ્ધ ગુનો કર્યો છે, તેથી તે પણ માફી માંગે.
સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું
આ મુદ્દે સોશિયલ મીડિયા પર ગરમાગરમી મચી છે. ઉદારમતવાદી યુઝર્સ આ બહુ સામાન્ય બાબત હોવાનું કહી રહ્યા છે. તો ઘણાં મુસ્લિમો એમ પણ કહી રહ્યા છે કે, જો મામૂટીની જાણ બહાર તેના માટે પૂજા કરાઈ હોય, તો એમાં કંઈ ખોટું નથી, મામૂટીનો વાંક નથી.
મોહનલાલે પણ કરી સ્પષ્ટતા
આ અંગે વાત કરતા મોહનલાલે કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે મારા મિત્રના ક્ષેમકુશળ માટે ઈશ્વરના આશીર્વાદ મેળવવામાં કંઈ ખોટું છે. આ વ્યક્તિગત પસંદગીની બાબત છે અને એની જાહેરમાં ચર્ચા થવી જોઈએ નહીં.’
શું મામૂટી કેન્સર સામે લડી રહ્યા છે?
થોડા સમયથી એવી વાત ચાલે છે કે મામૂટી કેન્સર સામે લડી રહ્યા છે. અલબત્ત, મામૂટીની ટીમ તરફથી આ વાતને અફવામાં ખપાવી દેવાઈ છે. એમના તરફથી એવું કહેવાયું હતું કે, મામૂટી રમઝાનમાં ઉપવાસ કરી રહ્યા હોવાથી જાહેરમાં દેખાતા નથી અને શૂટિંગ રકતા નથી. તેમણે કામમાંથી લીધેલો બ્રેક પૂરો થતાં તેઓ મોહનલાલ સાથેની મહેશ નારાયણ દિગ્દર્શિત ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.’
નોંધનીય છે કે, આ ફિલ્મનું કામચલાઉ શીર્ષક 'MMMN' છે. એમાં નયનતારા, ફહદ ફાસીલ અને કુંચકો બોબન જેવા જાણીતા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં છે, જેનું શૂટિંગ શ્રીલંકામાં થવાનું છે.