રોહિત શેટ્ટીએ જુહુ પોલીસના સ્ટાફ માટે 17 અલાયદા રૂમ ફાળવ્યા
- જેથી તેઓ ફરજ બજાવાની સાથેસાથે પરિવારને કોરોનાથી સુરક્ષિત રાખી શકે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 5 જૂન 2020, શુક્રવાર
કોરોના વાયરસનો પ્રકોપ વધતો જ જાય છે, ખાસ કરીને મુંબઇમાં કોરોનાના દરદીઓ વધતા જ જાય છે. આ સંકટની ઘડીમાં મુંબઇ પોલીસ પોતાના જીવ જોખમમાં નાખીને લોકોની સુરક્ષા કરી રહી છે. બોલીવૂડ સ્ટાર્સ સતત કોરોના વોરિયર્સની મદદ કરી રહ્યા છે. કોપ ડ્રામા બનાવા માટે જાણીતો થયેલો દિગ્દર્શક રોહિત શેટ્ટીએ ફરી એક વખત મુંબઇ પોલીસની મદદ માટે આગળ આવ્યો છે.
રોહિતે મુંબઇના જુહુ પોલીસ સ્ટેશનના સ્ટાફ માટે ૧૭ રૂમની સગવડ કરી છે. જેથી તેઓ પોતાની ફરજ બજાવાની સાથેસાથે પોતાના પરિવારોને સંક્રમણથી બચાવીશકે. ડયુટી પછી પોલીસકર્મીઓ પોતાના ઘરે જવાને બદલે આ જ જગ્યામાં રહેશે. એક પોલીસ ઓફિસરે રોહિતનો આભારમ ાન્યો હતો.
જુહુ પોલીસ સ્ટેશનના સીનિયર ઇન્સપેકેટર પંઢરીનાથ વવહલે ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, જુહુ પોલીસ કર્મીઓને ઓરડાઓની સગવડ આપવા બદલ આભાર, હવે તેઓ તેમના ઘરથી દૂર રહીને કોરોના મહામારીના સંક્રમણના ડરથી બચાવી શકશે.દેશ પ્રતિ લગાવ અને નિષ્ઠા માટે તમારો આભાર.
રોહિતે આ પહેલા પણ પોલીસકર્મીઓની સુરક્ષા માટે આઠ હોટલમાં ઓરડાઓ બુક કરાવ્યા હતા જેમાં તેમને આરામથી લઇ ભોજન વગેરેની સુવિધાઓ આપી હતી. આની જાણકારી પણ મુંબઇ પોલીસે જ આપી હતી.