Get The App

રોમેન્ટિક હીરો રિશી કપૂરનું 67 વર્ષે લ્યુકેમિયાના કેન્સરથી નિધન

- રિશિ કપૂર બે વર્ષથી કેન્સર સામે લડતા હતા

- લૉકડાઉનના કારણે માત્ર 20 લોકોને જ અંતિમ સંસ્કારમાં હાજર રહેવા દેવાયા, પુત્રી રિદ્ધિમા અંતિમ વિદાયમાં જોડાઈ શકી નહીં

Updated: Apr 30th, 2020

GS TEAM

Google News
Google News

- રિશિ કપૂરની બહેન અને બચ્ચનની પુત્રી શ્વેતા નંદાની સાસુ રિતુ નંદાનું ત્રણ મહિના પહેલાં જ કેન્સરથી મોત નીપજ્યું હતું

- બે દિવસમાં બોલિવૂડના વધુ એક દિગ્ગજ કલાકારની વિદાયથી વિશ્વનો ફિલ્મ ઉદ્યોગ શોકમાં, હજારો લોકોએ શ્રદ્ધાંજલી આપી


રોમેન્ટિક હીરો રિશી કપૂરનું 67 વર્ષે લ્યુકેમિયાના કેન્સરથી નિધન 1 - image

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.30 એપ્રિલ 2020, ગુરુવાર

જાણીતા અભિનેતા રિશી કપૂરનું મુંબઇની હોસ્પિટલમાં ગુરુવારે સવારે નિધન થઇ ગયું હતું. તેઓ ૬૭ વરસના હતા. અભિનેતા ૨૦૧૮માં લ્યુકેમિયા (બ્લડ કેન્સર)નો ભોગ બન્યા હતા. તેમના ભાઇ તેમજ અભિનેતા રણધીરકપૂરે જણાવ્યું હતું કે, તે નથી રહ્યો, તેનું અવસાન થઇ ગયું છે.

રિશિ કપૂરે ગુરુવારે સવારે ૮.૪૫ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. લોકડાઉનને ધ્યાનમાં રાખીને રિશિ કપૂરના મૃતદેહને હોસ્પિટલથી સીધો જ મરીનલાઇન્સના ચંદનવાડી સ્મશાન ઘાટ ખાતે લઈ જવાયો હતો, જ્યાં તેમના અંતિમ સંસ્કાર ઇલેકટ્રીક મશીનથી  કરવામાં આવ્યા હતા.લગભગ અડધા કલાકમાં જ તેમના અંતિમ સંસ્કાર  પૂરા થઇ ગયા હતા. અમિતાભ બચ્ચને સૌપ્રથમ ટ્વીટ કરીને રિશિ કપૂરના અવસાનના સમાચાર વિશ્વને આપ્યા હતા.

કપૂર ખાનદાનની ત્રીજી પીઢીના મશહૂર રિશીના પરિવારમાં પત્ની નીતુ કપુર, પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર છે. રિશીનો જન્મ ૪ સપ્ટેમબર ૧૯૫૨માં મુંબઇના ચેંબુરમાં થયો હતો. તે બોલીવૂડના શોમેન રાજ કપૂરના વચલો પુત્ર હતો. તેનું હુલામણું નામ ચિંટુ હતું. તેના રણધીર અને રાજીવ કપૂર એમ બે ભાઇઓ છે. પોતાની કારકિર્દી દરમિયાન તેણે અસંખ્ય ફિલ્મો કરી છે. 

કોવિડ ૧૯ના કારણે હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યો હોવાથી તેમની અંતિમ ક્રિયામાં પણ ફક્ત ૨૪ જ વ્યક્તિઓને સામેલ થવાની મંજૂરી આપી હતી. જેમાં પત્ની નીતુ, પુત્ર રણબીર, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, અનિલ અંબાણી, કરીના કપૂર, સૈફ અલી ખાન,આદર જૈન, મનોજ જૈન, અરમાન જૈન, અનીશા જાન, વિમલ પારેખ, અયાન મુખર્જી, રાહુલ રવૈલ,રાજીવ કપૂર, રણધીર કપૂર, નતાશા નંદન, રોહિત ધવન જેવા પરિવારજનો હાજર રહ્યા હતા.

આલિયા સતત નીતુની સાથે જ હતી.  અંતિમ સંસ્કાર દરમિયાન મરીન લાઇન્સ બ્રિજ પર લોકોની ભીડ જામી હતી જેને હટાવવા પોલીસે  પરેશાન થઇ ગઇ હતી. પોલીસ વારંવાર માઇક દ્વારા ઘોષણા કરી રહી હતી પરંતુ ભીડ કાબુમાં આવી નહોતી. 

પુત્રી રિદ્ધિમા દિલ્હી હોવાથી તે પિતાની અંતિમક્રિયામાં પહોંચી શકી નહીં. તેણે ચાટ્રડ પ્લેન દ્વારા મુંબઇ આવવાની તૈયારી કરી હતી પરંતુ ડીજીસીએથી તેને પરમિશન મળી નહી. તેમજ શહેરમાં કોરોનાનો પ્રકોપ હોવાથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં અંતિમ સંસ્કાર કરી નાખવા પડે એમ હતા. પરિણામે પુત્રીની ગેરહાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

રિશીની તબિયત બુધવારે રાતના બગડતા તેને મુંબઇની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વરસથી  લુકેમિયાથી જંગ લડી રહ્યો હતો. લગભગ ત્રણ મહિના પહેલા તેની બહેન રિતુ નંદા પણ કેન્સરના કારણે જ અવસાન પામી હતી. તેના અવસાન દરમિયાન નીતુ, રણબીર, કરીના, સૈફ અલી ખાન રાજુવ કપૂર, રણધીર કપૂર અને આલિયા ભટ્ટને હોસ્પિટલમાં હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી હતી. પરિવારની બહારના લોકોમાંથી ફક્ત અભિષેક બચ્ચનને જ હાજર રહેવા દીધો હતો. રિશીની કારકિર્દી ૧૯૭૩થી શરૂ થઇ છે.

તેણે પોતની કારકિર્દીમાં ૯૨ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે સોલો  લીડ એકટરતરીકે ૫૧ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેની ઇમેજ કારકિર્દીની શરૂઆતમાં રોમેન્ટિક હીરોની હતી. તેણે પત્ની નીતુ સાથે ૧૨ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે ઐશ્વર્યા બચ્ચનને લઇને દિગ્દર્શન પર પણ હાથ અજમાવ્યો હતો. આ અબ લોટ ચલે તેની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ હતી જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી.

ખુદ રિશિ કપૂરને પણ આશ્ચર્ય થયું હતું

લોકડાઉનમાં 'હમ તુમ એક કમરે મે બંધ હો' ગીત વાઈરલ થયું હતું

- 1974ની બોબી ફિલ્મનું આ ગીત આટલા વર્ષે કોરોના સંદર્ભમાં લોકોએ યાદ કર્યું

કોરોનાના સામનો કરવા માટે લોકડાઉનનો અમલ થયા પછી રિશિ કપૂરની પહેલી ફિલ્મ બોબીનું લોકપ્રિય ગીત 'હમ તુમ એક કમરે મેં બંધ હો ઔર ચાબી ખો જાય' સોશ્યલ મિડિયામાં ખૂબ જ વાઈરલ થયું હતું. ખુદ રિશિ કપૂરે ટકોર કરી હતી કે ૧૯૭૪માં આવેલી બોબી ફિલ્મનું આ ગીત આટલા વર્ષો પછી કોરોનાના સંદર્ભમાં ફરી લોકો યાદ કરશે એની કલ્પના જ નહોતી.

યુવાપ્રેમીની કથાવાળી 'બોબી' ફિલ્મમાં આ ગીત રિશિ કપૂર અને ડિમ્પલ કાપડિયા પર ફિલ્માવાયું હતું. આ ગીતનું શૂટિંગ કાશ્મીરના પહેલગામમાં થયું હતું. અત્યારે લોકડાઉનમાં બધાએ ઘર બેસવું પડે છે એ સ્થિતિમાં સોશ્યલ મિડિયા પર આ ગીત ખૂબ જ વાઈરલ થયું હતું.

આ ગીતના શબ્દો લખ્યા હતા આનંદ બક્ષીએ અને સંગીત આપ્યું હતું લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીએ. 'બોબી' ફિલ્મના સંગતની તૈયારી થતી હતી એ પહેલા સંગીતકાર લક્ષ્મીકાંતે જૂહુમાં નવો બંગલો બંધાવ્યો હતો. બંગલો તૈયાર થતા તેણે પાર્ટી રાખી હતી. પાર્ટીમાં આનંદ બક્ષી અને બીજા એક ફિલ્મવાળા મોજૂદ હતા. બંગલામાં કેટલાક રૂમ હતા. લક્ષ્મીકાંત મહેમાનોને દેખાડતા હતા. કોઈ બોલ્યું કે ભૂલભૂલામણી જેવા આ બંગલાનો દરવાજો બંધ થઈ જાય અને ચાવી ખોવાઈ જાય તો શું થાય? આ પરથી આનંદ બક્ષીને ગીતનું મુખડું મળી ગયું. 'હમ તુમ એક કમરે મે બંધ હો...' પછી રાજ કપૂરે આ ગીતનું અદ્ભૂત ફિલ્માંકન કર્યું હતું.

Tags :