કાંતારા પ્રીકવલ પાછી ઠેલાવાની અટકળો ઋષભે ફગાવી
- ઉપરાછાપરી દુઃખદ ઘટનાઓથી અટકળો
- મૂળ પ્લાનિંગ પ્રમાણે આગામી બીજી ઓક્ટોબરે જ રીલિઝ કરવાની જાહેરાત
મુંબઈ : ૨૦૨૨માં આવેલી હીટ ફિલ્મ 'કાંતારા'ની પ્રીકવલ 'કાંતારા ચેપ્ટર વન' મુલતવી રહી હોવાની અટકળો ઋષભ શેટ્ટી સહિત ફિલ્મની ટીમે ફગાવી દીધી છે. ફિલ્મના શૂટિંગમાં એક પછી એક અનિચ્છનિય ઘટનાઓને કારણે ફિલ્મ પાછળ ધકેલાશે તેવી અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. ફિલ્મ મેકર્સે સત્તાવાર એક્સ એકાઉન્ટ પર નિવેદન જારી કરી છે કે અમે બરાબર કામ કરી રહ્યા છીએ અને બધું આયોજન અનુસાર ચાલી રહ્યું છે. 'કાંતારા ચેપ્ટર વન' દુનિયાભરના થિયેટર્સમાં આગામી બીજી ઓક્ટોબર ના રોજ રિલિઝ થશે જ. અમારા પર ભરોસો રાખો કે ફિલ્મ માટે રાહ જોવા જેવી છે. અમે દરેક જણને ફિલ્મ બાબતે અટકળો ન કરવા અને બિનસત્તાવાર માહિતી ન ફેલાવવા માટે વિનંતી કરીએ છીએ.
આ ફિલ્મના શૂટિંગમાં એક પછી એક દુઃખદ ઘટનાો બની રહી છે. આ ફિલ્મ સાથે સંકળાયેલો એક જુનિયર આર્ટિસ્ટ નદીમાં તરવા પડયો ત્યારે ડૂબી જવાથી તેનું મોત થયું હતું.
એ પછી થોડા દિવસ બાદ એક્ટર રાકેશ પુજારીનું પણ ૩૪ વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તે પહેલાં ફિલ્મની ટીમની બસને અકસ્માત નડયો હતો. આ ઉપરાંત ફિલ્મ શૂટિંગ માટે વૃક્ષો કાપવા બાબતે કાનૂની વિવાદ પણ થયો હતો.