રણવીરની ડોન-થ્રીનું શૂટિંગ આગામી સપ્ટે.થી શરૂ થવાની ચર્ચા
મુંબઈ: ફરહાન અખ્તર રણવીર સિંહને મુખ્ય ભૂમિકામાં લઈ 'ડોન થ્રી' બનાવી રહ્યો છે તેવું લાંબા સમયથી ચર્ચાયા કરે છે પરંતુ, હવે આખરે આ ફિલ્મનું પ્રિ પ્રોડક્શન પૂર્ણતાને આરે છે અને ફિલ્મ આગામી સપ્ટેમ્બરથી ફલોર પર જાય તેવી સંભાવના છે. 'ડોન થ્રી' બની રહી હોવાનું લાંબા સમયથી ચર્ચાતું હતુ.ં જોકે, બાદમાં ફરહાન અખ્તર પોતાની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ '૧૨૦ બહાદૂર'માં વ્યસ્ત થઈ જતાં 'ડોન થ્રી' કોરાણે મૂકાઈ ગઈ હતી. રણવીરે પણ કંટાળીને આદિત્ય ધરની 'ધૂરંધર'નું શૂટિંગ શરુ કરી દીધું હતું. જોકે, ફરહાનની '૧૨૦ બહાદૂર' પણ પૂર્ણતાને આરે છે અને રણવીર પણ 'ધૂરંધર'માંથી વહેલી તકે મુક્ત થઈ જાય તેમ છે. આથી, સપ્ટેમ્બરથી ફિલ્મનું શિડયૂલ ગોઠવાઈ રહ્યું છે.
ફિલ્મમાં વિક્રાંત મૈસી પણ મહત્વની ભૂમિકામાં છે. જોકે, હિરોઈનના નામ અંગે હજુ પણ અટકળો છે. અગાઉ કિયારા અડવાણી રણવીરની હિરોઈન તરીકે પસંદ થઈ ચૂકી હતી પરંતુ તેણે પ્રેગનન્સીને કારણે આ ફિલ્મ છોડી દીધી હતી. તે પછી શર્વરી વાઘ , ક્રિતી સેનન અને શ્રીલીલા સહિતની હિરોઈનોનાં નામ ચર્ચાઈ ચૂક્યાં છે પરંતુ હજુ સુધી ફરહાને કોઈનું નામ જાહેર કર્યું નથી.