રણવીર, પ્રભાસ અને શાહિદની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાશે
મુંબઈ: આગામી ડિસેમ્બરમાં રણવીરની ફિલ્મ 'ધુરંધર' અને પ્રભાસની હોરર ફિલ્મ 'રાજાસાબ' ઉપરાંત વિશાલ ભારદ્વાજ દ્વારા શાહિદ કપૂરની મુખ્ય ભૂમિકા સાથે બનાવવામાં આવી રહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ટકરાશે.
આજે 'ધુરંધર'ના નિર્માતાઓએ રણવીરના જન્મદિન નિમિત્તે ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો. તેમાં ફિલ્મની તારીખ પાંચમી ડિસેમ્બરે ફાઈનલ કરાઈ હોવાનું જણાવાયું છે.
પ્રભાસની 'રાજાસાબ' પણ પાંચમી ડિસેમ્બરે રીલિઝ થવાની જાહેરાત અગાઉ થઈ ચૂકી છે. બીજી તરફ વિશાલ ભારદ્વાજની ફિલ્મનું પણ પાંચમી ડિસેમ્બરે રીલિઝનું પ્લાનિંગ છે.
ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર આ તારીખોએ આ બંને અથવા તો કોઈ એક ફિલ્મ પોતાની રીલિઝ ડેટ બદલી શકે છે. તેમણે કહ્યું હતું કે પ્રભાસનું ફોક્સ મુખ્યત્વે સાઉથના માર્કેટ પર રહેવાનું છે એ નક્કી છે પરંતુ એ હકીકતની અવગણના થઈ શકે તેમ નથી કે તે હવે હિંદી બેલ્ટનો પણ એક લોકપ્રિય સ્ટાર બની ચૂક્યો છે અને હિંદી પટ્ટાના બીજા કોઈ મોટા કલાકાર સાથે તેની ફિલ્મ ટકરાય તો બધાને નુકસાન થઈ શકે છે.
એક મોટો પ્રશ્ન આ તમામ ફિલ્મો માટે સ્ક્રીન બૂક કરવાનો પણ થશે.
બીજી તરફ પ્રભાસ અને રણવીરના ચાહકોએ આ ટક્કર અટકાવવા માટે સોશિયલ મીડિયા પર અત્યારથી જ અપીલો શરુ કરી દીધી છે.