દૂરદર્શન પર પ્રસારિત થતી રામાયણ શ્રેણીએ વિશ્વ રેકોર્ડ સર્જ્યો, સૌથી વધુ જોવાતી સિરીયલ બની
અરૂણ ગોવિલ, દીપિકા ચિખલિયા, સુનીલ લહરી અને અરવિંદ ત્રિવેદી ફરી એક વખત ચર્ચામાં આવવાને લઈ ઉત્સાહિત
નવી દિલ્હી, તા. 1 મે 2020, શુક્રવાર
કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સરકારે રામાનંદ સાગરની રામાયણ શ્રેણીને દૂરદર્શન પર ફરીથી પ્રસારિત કરી જેણે એક વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે. રાષ્ટ્રીય ચેનલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલી ટ્વિટમાં 16મી એપ્રિલના રોજ 7.7 કરોડ દર્શકોની સંખ્યા સાથે રામાયણનું પુનઃપ્રસારણ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે વખત જોવાતી મનોરંજક સીરીયલ બની છે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
હાલ કોરોના વાયરસના કારણે દેશભરના લોકો પોતાના ઘરમાં કેદ છે અને 17મી માર્ચથી ટીવી સીરીયલ, ફિલ્મો અને વેબ સીરિઝનું શૂટિંગ બંધ હોવાથી ટીવી પર કોઈ સીરીયલના નવા એપિસોડ પ્રસારિત નથી થઈ રહ્યા. આ ઉપરાંત લાંબા સમયથી લોકો રામાયણના પુનઃપ્રસારણની માંગ કરી રહ્યા હતા જેથી કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન રામાયણને ફરીથી પ્રસારિત કરવાનો નિર્ણય લીધો હતો.
લોકો રામાયણ અને મહાભારત જેવી પૌરાણિક સીરીયલને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેના એપિસોડ્સ અને દૃશ્યોની ખૂબ ચર્ચા થઈ રહી છે. રામાયણના પુનઃપ્રસારણના લીધે તેના મુખ્ય પાત્રો અરૂણ ગોવિલ, દીપિકા ચિખલિયા, સુનીલ લહરી અને અરવિંદ ત્રિવેદી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને લોકોના પ્રેમ-પ્રતિક્રિયાઓથી તેઓ ખૂબ ઉત્સાહિત જણાઈ રહ્યા છે.
જે દિવસે રામાયણનો પહેલો એપિસોડ પ્રસારિત થયો તે દિવસે 17 મિલિયન (એક કરોડ, 70 લાખ) લોકોએ તેનો આનંદ માણ્યો હતો. તે સિવાય બુનિયાદ, શક્તિમાન, શ્રીમાન શ્રીમતી અને દેખ ભાઈ દેખ સહિતની અન્ય સીરીયલો પણ ટીઆરપી મામલે ખૂબ સારો દેખાવ કરી રહી છે. જ્યારે ખાનગી ચેનલ્સ દર્શકોને જૂના એપિસોડ બતાવી રહી છે.