Film Dhurandhar Controversy : બોલિવૂડમાં હાલમાં આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની સાથે જ એક વિવાદ પણ સામે આવ્યો છે. ફિલ્મમાં જમીલ જમાલીનું પાત્ર ભજવનારા વરિષ્ઠ અભિનેતા 51 વર્ષિય રાકેશ બેદી સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર આવ્યા છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન તેમણે પોતાની ઓન-સ્ક્રીન પુત્રી સારા અર્જુનના ખભા પર કિસ કરી હતી, જેનો વીડિયો વાયરલ થતા લોકોએ તેમની આકરી ટીકા કરી રહ્યા છે. હવે રાકેશ બેદીએ આ મામલે મૌન તોડતા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.
સારા મારી પુત્રી જેવી : રાકેશ બેદી
રાકેશ બેદીએ કહ્યું કે, ‘સારા મારી ઉંમર કરતા અડધી પણ નથી અને ફિલ્મમાં તેમની દીકરી બની છે. શૂટિંગ દરમિયાન જ્યારે પણ અમે મળતા, સારા મને એક દીકરીની જેમ જ ગળે લગાવતી હતી. અમારા સંબંધોમાં પિતા-પુત્રી જેવો જ સ્નેહ છે, જે પડદા પર પણ દેખાય છે.’ તેમણે આક્રોશ વ્યક્ત કરતા ઉમેર્યું કે સ્ટેજ પર, તેના માતા-પિતાની હાજરીમાં કોઈ ખરાબ ઈરાદાથી આવું કેમ કરે? લોકો આ બાબતને ખોટી રીતે જોઈ રહ્યા છે અને આ માત્ર જોનારાની દ્રષ્ટિમાં રહેલી ખામી છે.
રાકેશ વિવાદ ઉભો કરનારાઓ સામે નારાજ
અભિનેતાએ કહ્યું કે, તેઓ પોતાનો બચાવ નથી કરી રહ્યા, પરંતુ તેમનું વર્ષોનું કામ જ તેમની ઓળખ છે. સોશિયલ મીડિયા પર વગર કામનો વિવાદ ઊભો કરનારા લોકો માટે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના કામ પ્રત્યે ગર્વ વ્યક્ત કરતા એક કિસ્સો શેર કર્યો કે, કેવી રીતે લોકો તેમને આજે પણ પ્રેમ કરે છે. રાકેશ બેદીના મતે જેમને તેમના કામ પર ભરોસો છે, તેમને કોઈ સ્પષ્ટતાની જરૂર નથી.
ધુરંધરનું કલેક્શન રૂ.400 કરોડને પાર
રણવીર સિંહ, આર. માધવન અને અક્ષય ખન્ના જેવા દિગ્ગજોથી સજ્જ ફિલ્મ 'ધુરંધર' ભારતભરમાં 400 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. ચાહકો હવે ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે માર્ચમાં ઈદના અવસરે રિલીઝ થવાની શક્યતા છે. વિવાદો છતાં ફિલ્મની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી.


