36 વર્ષ બાદ ફરી રજનીકાન્તની ફિલ્મને 'એ' રેટિંગ મળ્યું
- 'કૂલીનું' ટ્રેલર રીલિઝ
- સુપરસ્ટાર રજનીકાંત અને બ્લોકબસ્ટર ડિરેક્ટર લોકેશ કનગરાજની જોડી પહેલીવાર સાથે આવી
મુંબઇ : બે અઠવાડિયામાં સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કૂલી' રીલિઝ થવા જઈ રહી છે, જેનું ટ્રેલર પણ હવે રીલિઝ થઈ ગયું છે. પહેલીવાર રજનીકાંત અને બ્લોકબસ્ટર ડિરેક્ટર લોકેશ કનગરાજની જોડી સાથે આવી રહી હોવાથી દર્શકોમાં પણ ભારે ઉત્સાહ છે.
તે દરમ્યાન જ મોટી વાત એ જાણવામાં આવી છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન (સીબીએફસી)એ કૂલીને 'એ' (એડલ્ટ) સર્ટીફિકેટ આપ્યું છે. છેલ્લાં ૩૬ વર્ષમાં પહેલીવાર રજનીકાંતની ફિલ્મને 'એ' રેટિંગ મળ્યું છે.
રજનીકાંતની મોટા ભાગની ફિલ્મો આબાલવૃદ્ધ સૌ દર્શકોમાં લોકપ્રિય રહી છે.
જોકે આ પૂર્વે ૧૯૮૦ના દાયકામાં 'નેત્રિક્કન' (૧૯૮૧), રંગા (૧૯૮૨), પુથુકવિતાઈ (૧૯૮૨), નાન સિગપ્પુ મનિથન (૧૯૮૫) આદિ ફિલ્મોને પણ એડલ્ટ રેટિંગ મળ્યું છે. તેમની છેલ્લી 'એ' રેટેડ ફિલ્મ 'શિવા' ૧૯૮૯માં પ્રદર્શિત થઈ હતી.
અર્થાત્ ૩૬ વર્ષ બાદ ફરી તેમની એક નવી એડલ્ટ ફિલ્મ આવી રહી છે. બીજી તરફ લોકેશ કનગરાજની પણ આ પ્રથમ 'એ' રેટેડ ફિલ્મ છે.
કૂલીનીટક્કર હવે ૧૪ ઑગસ્ટે પ્રદર્શિત થનારી 'વૉર -૨' સાથે થવાની છે. જેમાં ઋત્વિક રોશન અને જૂનિયર એનટીઆર મહત્ત્વની ભૂમિકામાં છે. હિંદી બેલ્ટમાં 'કૂલી'ના પર્ફોર્મન્સને લઈને પ્રશ્નો ઊભા થયા છે, કારણ ત્યાં 'એ' રેટેડ ફિલ્મોનું કેનવાસ સિમિત મનાય છે. જોકે એનિમલ (૨૦૨૩), કબીર સિંહ (૨૦૧૯) આ ફિલ્મોની સફળતા એ વાતનું પ્રમાણ છે કે, જો કન્ટેંટ દમદાર હોય તો 'એ' રેટિંગ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ચાલે છે.