Allu Arjun : સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન મોટી મુસીબતમાં ફસાયો છે. પુષ્પા-2 ફિલ્મ નાસભાગ કેસમાં તેલંગાણા પોલીસે 100 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે નમપલ્લી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અલ્લુ અર્જુનને 11 નંબરનો આરોપી બનાવ્યો છે. ચાર્જશીટમાં કુલ 23 આરોપીઓને સામેલ કરવામાં આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
નોંધનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરની ચોથી તારીખે પુષ્પા-2 ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી હતી. જેમાં એક મહિલાનું નિધન થયું હતું જ્યારે તેમનો 8 વર્ષનો પુત્ર ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ પોલીસે 13મી ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. તેલંગાણા હાઈકોર્ટે અલ્લુ અર્જુનને 14 ડિસેમ્બરે, 2024ના રોજ જામીન આપ્યા હતા. જામીન બાદ પોલીસે અલ્લુ અર્જુનને બોલાવી પૂછપરછ પણ કરી હતી.

પોલીસે ચાર્જશીટમાં થિયેટર મેનેજમેન્ટને મુખ્ય આરોપી બનાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે ત્યાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નહોતી. આ સિવાય અલ્લુ અર્જુન, તેના મેનેજર, બાઉન્સરને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસનો આરોપ છે કે તેમણે અલ્લુ અર્જુનના મેનેજરને સ્થિતિ કાબૂ બહાર જવાની સૂચના આપી હતી.
નોંધનીય છે કે નાસભાગ બાદ અલ્લુ અર્જુન અને પુષ્પા-2 ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસરે ભેગા થઈને મહિલાના પરિવારને બે કરોડ રૂપિયાનું આર્થિક વળતર પણ આપ્યું હતું.


