Get The App

પંજાબમાં પૂર: દિલજીત દોસાંઝે 10 ગામ તો આ કલાકારે 200 પરિવાર દત્તક લીધા, સોનુ સૂદ પણ મદદે આવ્યો

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
Punjab Floods


Punjab Floods: પંજાબના અનેક જિલ્લાઓમાં રવિવાર રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે વરસાદના કારણે સતલજ, બિયાસ અને રાવી નદીઓમાં પૂર આવતા ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ વિનાશકારી ઘટના વચ્ચે, પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંજ, એમી વિર્ક, સોનુ સૂદ, સંજય દત્ત સહિત ઘણા કલાકારો પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે.

સોનુ સૂદ

સોનુ સૂદે પોતાના 'X' હેન્ડલ પર એક ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે ફિરોઝપુર, તરનતારણ અને ફાઝિલ્કા જેવા વિસ્તારોની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે. લોકોને મદદ માટે આગળ આવવા પ્રોત્સાહિત કરતા તેમણે કહ્યું, 'પંજાબ મારી આત્મા છે. ભલે બધું જ જતું રહે, હું પાછળ નહીં હટું. અમે પંજાબી છીએ, અમે હાર માનતા નથી.' તેમની બહેન માલવિકા સૂદ પહેલાથી જ જમીની સ્તરે રાહત સામગ્રીનું વિતરણ કરી રહી છે.

એક અન્ય પોસ્ટમાં સોનુ સૂદે ખેડૂતો વિશે લખ્યું છે, 'ખેડૂતો માટે પશુઓ માત્ર પશુ નથી, તે તેમની આજીવિકા છે. પૂરએ તે છીનવી લીધું છે. આપણે, વ્યક્તિગત રીતે અને સરકાર તરીકે, દરેક પરિવારને તેમના પશુઓ પાછા મળે તે સુનિશ્ચિત કરવું પડશે. આ માત્ર વળતરની વાત નથી, પરંતુ સન્માન અને આજીવિકાની પુનઃસ્થાપનાની વાત છે.'

એમી વિર્ક

પંજાબી અભિનેતા અને ગાયક એમી વિર્કે પંજાબના પૂર પીડિતો માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. તેણે અને તેની ટીમે પૂરને કારણે સર્વસ્વ ગુમાવનારા 200 પરિવારોને દત્તક લીધા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને એમીએ કહ્યું કે, 'આ પહેલનો હેતુ ફક્ત આશ્રય આપવાનો નથી, પરંતુ આ પરિવારોને ફરીથી જીવન શરૂ કરવા માટે આશા, સન્માન અને શક્તિ આપવાનો છે.' તેણે લોકોને પણ મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે.

સુનંદા શર્મા

સિંગર સુનંદા શર્માએ બતાવ્યું છે કે તેનું હૃદય સંગીતની જેમ જ માનવતા માટે પણ ધબકે છે. આ લોકપ્રિય પંજાબી કલાકારે તાજેતરમાં પંજાબના પરિવારો સુધી પહોંચીને 250 પરિવારોને વ્યક્તિગત રીતે રાહત કિટ આપી છે.

દિલજીત દોસાંજ

લોકપ્રિય પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંજે પૂર સંકટ દરમિયાન પંજાબની મદદ માટે આગળ આવ્યો છે. દિલજીતની ટીમે પંજાબમાં આવેલા પૂર પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે, 'દિલજીત દોસાંજે અન્ય NGO અને સ્થાનિક વહીવટીતંત્ર (ગુરદાસપુર અને અમૃતસર)ના સહયોગથી 10 અત્યંત પ્રભાવિત ગામોને દત્તક લીધા છે.'

સંજય દત્ત

એક સત્તાવાર બુલેટિન અનુસાર, રાજ્યના 23માંથી 12 જિલ્લા 1 ઓગસ્ટથી પૂરની ચપેટમાં છે, જેને રાજ્ય સરકારે દાયકાઓની સૌથી ભયંકર પૂર દુર્ઘટનાઓમાંથી એક ગણાવી છે. બોલિવૂડ અભિનેતા સંજય દત્તે પંજાબમાં આવેલા પૂરને 'ખરેખર હૃદયદ્રાવક' ગણાવ્યું છે અને મદદનું વચન આપ્યું છે.


સૂફી ગાયક સતિંદર સરતાજ

જાણીતા સૂફી ગાયક સતિંદર સરતાજે પોતાના જન્મદિવસને પૂર રાહત કાર્ય માટે સમર્પિત કર્યો. તેના 'સરતાજ ફાઉન્ડેશન' દ્વારા, તેની ટીમે ફિરોઝપુર અને ફાઝિલ્કાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સામગ્રીનું વિતરણ કર્યું. તેણે દેશભરના લોકોને મદદ માટે અપીલ પણ કરી છે. આ ઉપરાંત, ગિપ્પી ગ્રેવાલ, કરણ ઔજલા, રણજીત બાવા, ઇન્દ્રજીત નિક્કુ, સુનંદા શર્મા અને જસબીર જસ્સી જેવા અન્ય કલાકારો પણ રાહત કાર્યમાં સામેલ થયા છે.

પંજાબમાં પૂર: દિલજીત દોસાંઝે 10 ગામ તો આ કલાકારે 200 પરિવાર દત્તક લીધા, સોનુ સૂદ પણ મદદે આવ્યો 2 - image
Tags :