નિર્માતા કરીમ મુરાનીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ
- તેની બન્ને પુત્રીઓ પણ કોરોનાની ભોગ બનીને હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 8 એપ્રિલ 2020, બુધવાર
શજા અને ઝોયા બન્ને પુત્રીઓને કરોના થયા બાદ હવે નિર્માતા કરીમ મુરાનીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. નિર્માતાને મુંબઇની પારલા સ્થિતિ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે.
કરીમ મુરાનીના ભાઇ મહમદ મુરાનીએ જણાવ્યું હતું કે, બન્ને પુત્રીઓને કોરોના પોઝિટવ આવ્યા પછી અમારી સાથે આવું જ કાંઇક થશે તેવી આશંકા તો હતી જ. હવે કરીમનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટવ આવ્યો છે. અને તેને નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
કરીમની નાની પુત્રી પણ નાણાવટીમાં જ સારવાર લઇ રહી છે જ્યારે મોટી ઝોયા કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કરીમની નાની પુત્રી શજા માર્ચ મહિનામાં શ્રીલંકા ગઇ હતી જ્યારે મોટી પુત્રી ઝોયા રાજસ્થાન ગઇ હતી. મુંબઇ પરત આવ્યા બાદ પહેલા શઝા અને પછી ઝોયાને કોરોના પોઝિટિવ આવ્યો હતો.