હું પણ સેક્સ્યુઅલ ગેરવર્તનનો શિકાર બની હતી : પ્રિયંકા ચોપરા
- મી ટુના આરંભે ન બોલી શકી એ માટે શરમ અનુભવી રહી છું
ન્યૂયોર્ક / મુંબઇ તા.16 એપ્રિલ 2019, મંગળવાર
ઇન્ટરનેશનલ ગણાતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે કારકિર્દીના એક તબક્કે હું પણ યૌન શોષણનો ભોગ બની હતી. મી ટુ આંદોલનના આરંભે એ કબૂલવાની હિંમત ન દેખાડી શકી એની શરમ અનુભવું છું.
ન્યૂયોર્કમાં યોજાએલી દસમી વાર્ષિક મહિલા અધિવેશનની શિખર પરિષદમાં બોલતાં પ્રિયંકાએ કહ્યું, મી ટુ આંદોલન શરૂ થયું ત્યારે કેટલીક અભિનેત્રીઓએ જાહેરમાં આપવીતી વર્ણવી હતી. ત્યારે હું હિંમત કેળવીને બોલી નહોતી શકી. એથી શરમિંદી છું. પરંતુ હવે આ આંદોલન એવો વેગ પકડી ચૂક્યું છે કે કોઇ અમને બોલતાં રોકી શકે એમ નથી.
એણે કહ્યું કે આ હોલમાં બેઠેલી દરેક મહિલા પાસે કોઇ ને કોઇ સ્ટોરી હશે. હવે મને પણ એકરાર કરતાં સંકોચ થતો નથી કે કારકિર્દીના એક તબક્કે હું પણ યૌન શોષણનો શિકાર બની હતી પરંતુ મેં નમતું ન જોખ્યું અને કેટલીક ફિલ્મોની ઑફર્સ જતી કરી. મને એનો કોઇ વસવસો નથી. આજે હું જે સ્થાને પહોંચી છું એની પાછળ મારો પસીનો અને મારો પુરુષાર્થ છે. મને એ બાબતનું ગૌરવ છે કે સેક્સ ભૂખ્યા કોઇ ફિલ્મ સર્જકના દબાણને વશ હું થઇ નથી.