'પવિત્ર રિશ્તા' શૉની જાણીતી એક્ટ્રેસ પ્રિયા મરાઠેનું નિધન, કેન્સર સામે જીવનનો જંગ હારી
Priya Marathe Death: ટીવી ઈન્ડસ્ટ્રીમાં આજે શોકનો માહોલ સર્જાયો છે. અત્યંત લોકપ્રિય સિરિયલ 'પવિત્ર રિશ્તા'માં વર્ષાનો અભિનય કરનારી અભિનેત્રી પ્રિયા મરાઠેનું આજે નિધન થયુ છે. તેણે આ સિરિયલમાં અંકિતા લોખંડેની બહેનનું પાત્ર ભજવ્યું હતું. 38 વર્ષીય પ્રિયા કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહી હતી. તેણે આજે અંતિમ શ્વાસ લીધા હતા. તેના નિધનથી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી અને ચાહકો શોકમય બન્યા હતા.
પ્રિયા મરાઠેએ હિન્દી ઉપરાંત મરાઠી ટીવી સિરિયલ્સમાં અભિનય કર્યો છે. તે લાંબા સમયથી કેન્સરથી પીડિતી હતી. 31 ઓગસ્ટ, 2025ના રોજ આજે રવિવારે તેનું નિધન થયું છે. તેણે મીરા રોડ સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.
પ્રિયાએ પવિત્ર રિશ્તા ઉપરાંત સાથ નિભાના સાથિયા, તુ તીથે મે, ચાર દિવસ સાસુચે, કસમ સે, ઉતરન, ભાગ રે મન, સ્વરાજ્યરક્ષક સાંભાજી સહિત અનેક ટીવી-મરાઠી શોમાં કામ કર્યું હતું.
એક્ટર શાંતનુ સાથે લગ્ન કર્યા હતાં
પ્રિયાની પર્સનલ લાઈફની વાત કરીએ તો પ્રિયાએ વર્ષ 2012માં એક્ટર શાંતનુ મોઘે સાથે લગ્ન કર્યા હતાં. પ્રિયાએ છેલ્લે તુઝેચ મી ગીત ગાત આહે મરાઠી શોમાં કામ કર્યુ હતું. જૂન, 2024માં આ શો કર્યા બાદ તે છેલ્લા એક વર્ષથી સ્ક્રિનથી દૂર હતી. સોશિયલ મીડિયા પર તેના 639K ફોલોઅર્સ છે.