મને તારો નંબર આપ...', સિનિયર એક્ટરે મોકલ્યા અશ્લીલ મેસેજ, અભિનેત્રી સોશિયલ મીડિયા પર શેર કર્યા સ્ક્રીનશોટ
Prachi Pisat Accuses Senior Actor Sudesh Mhashilkar: ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચના અનેક કિસ્સાઓ તો તમે સાંભળ્યા જ હશે. ઘણી અભિનેત્રીઓએ પોતાના જ કો-સ્ટાર્સ પર આરોપો પણ લગાવ્યા છે. #Meetoo દરમિયાન આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. એ વાત તો સાચી છે કે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું એટલું પણ સરળ નથી. પછી તે હિન્દી સિનેમા હોય, સાઉથ, મરાઠી કે ટીવી હોય. ઘણી અભિનેત્રીઓએ આ પીડા વ્યક્ત કરી ચૂકી છે. હવે તાજેતરમાં જ યુવા મરાઠી અભિનેત્રી પ્રાચી પિસટે સિનિયર એક્ટર સુદેશ મ્હશિલકરના 'ગંદા કાર્યો'ની પોલ ખોલી દીધી છે, ત્યારબાદ હવે ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.
સુદેશ મ્હશિલકરના મેસેજથી પરેશાન અભિનેત્રી પ્રાચી પિસટે સોશિયલ મીડિયા પર સિનિયર એક્ટર સુદેશ મ્હશિલકરની ગંદી હરકતોને દુનિયા સામે મૂકી દીધી છે. પ્રાચી પિસટે જે સ્ક્રીનશોટ શેર કર્યા છે, તેનાથી ફરી એક વખત એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી પર સવાલ ઊભા થઈ રહ્યા છે.
અભિનેત્રીએ શેર કર્યા સ્ક્રીનશોટ
પ્રાચીએ તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિનિયર એક્ટર સુદેશ દ્વારા કરવામાં આવેલા અશ્લીલ મેસેજના સ્ક્રીનશોટ શેર કર્યા છે. સુદેશે પ્રાચીને જે મેસેજ મોકલ્યા હતા તે મરાઠીમાં છે, તેનો અર્થ એ કે, મને તારો નંબર આપ મારે તારી સાથે ફ્લર્ટ કરવું છે. તુ કેટલી સ્વીટ દેખાય છે. બીજા એક મેસેજમાં લખ્યું છે કે, તુ ખૂબ જ સેક્સી લાગે છે. અભિનેત્રીએ આ તસવીરો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સમાં તેની ચર્ચા થવા લાગી. સોશિયલ મીડિયા યુઝર્સની સાથે-સાથે ઈન્ડસ્ટ્રીના લોકો પણ આના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
પોસ્ટ ડિલીટ કરવા માટે દબાણ
આ પોસ્ટ બાદ પ્રાચીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, મારા પર આ પોસ્ટ ડિલીટ કરવા અને ચૂપ રહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ તે અડગ રહી અને આ પોસ્ટ ન હટાવી.
મીડિયાનો સપોર્ટ માટે આભાર વ્યક્ત કર્યો
તેણે લખ્યું કે, 'મારા પર પોસ્ટ દૂર હટાવવા અને ચૂપ રહેવાનું દબાણ કરવામાં આવ્યું. મને લાગે છે કે આ પોસ્ટ મારા ઇન્સ્ટા ફીડમાં રહેવા માટે હકદાર છે.' આ સાથે જ બીજી એક પોસ્ટમાં તેણે મીડિયા અને પત્રકારોનો તેને સપોર્ટ આપવા બદલ આભાર માન્યો છે.