'અક્ષય કુમાર મારા મિત્ર નહીં, કલીગ છે', આવું કહેનારા પરેશ રાવલે હવે ફેરવી તોળ્યું
Paresh Rawal called Akshay Kumar Just a Colleague: પરેશ રાવલ અને અક્ષય કુમાર, જેમણે ઘણી હિટ કોમેડી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જ્યારે પણ તેઓ મોટા પડદા પર દેખાય છે, ત્યારે તેઓ તેમના કોમિક ટાઇમિંગથી દર્શકોને ખુશ કરી દે છે. આમ તો બંને એ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેમની વચ્ચેનું બોન્ડિંગ સારું છે કે નહીં, આ પ્રશ્ન લોકોના મનમાં ત્યારે આવવા લાગ્યો જ્યારે પરેશ રાવલે કહ્યું કે, 'અક્ષય કુમાર મારા મિત્ર નહિ પણ કલીગ છે.'
અક્ષય કુમાર મારા મિત્ર નહીં, કલીગ છે: પરેશ રાવલ
છેલ્લા કેટલાક દિવસોથી બંને કલાકારોની મિત્રતા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. થોડા સમય પહેલા, પરેશ રાવલે એક ઈન્ટરવ્યૂમાં અક્ષય કુમાર સાથેના પોતાના સંબંધ વિશે વાત કરી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું અક્ષય તેનો મિત્ર છે? ત્યારે અભિનેતાએ કહ્યું હતું કે, 'અક્ષય ફક્ત મારો કલીગ છે.' પરેશ રાવલનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયું. દરેક જગ્યાએ લોકોએ અભિનેતાની સુપરસ્ટાર સાથેની મિત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા, જેના કારણે પરેશ રાવલે સ્પષ્ટતા કરવી પડી હતી.
લોકો અર્થનો અનર્થ કરી નાખે છે
હવે પરેશ રાવલે પોતાના વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટતા આપી છે. આ અંગે અભિનેતાએ કહ્યું કે, 'લોકોએ મારા શબ્દોનો ખોટો અર્થ કાઢ્યો છે. મેં કોઈ બીજા કારણોસર અક્ષય કુમારને કલીગ કહ્યો હતો.' પરેશ રાવલે વધુમાં કહ્યું કે, 'મારું માથું ખરાબ થઈ રહ્યું છે, દોસ્ત. મેં માત્ર એટલું જ કહ્યું હતું કે તે મારો કલીગ છે. જયારે તમે મિત્ર છે એવું કહો છો તેનો મતલબ થાય છે કે તમે તેને એક મહિનામાં લગભગ 5-6 વખત મળો છો અને અઠવાડિયામાં ઘણી વખત તેમની સાથે વાત કરો છો.'
પરેશ રાવલે કરી સ્પષ્ટતા
પરેશ રાવલે આ મામલે કહ્યું કે, 'અક્ષય એકદમ કૂલ વ્યક્તિ છે. અક્ષય અને મેં લગભગ 15 થી 20 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તે એક સારો વ્યક્તિ છે અને તેની સાથે મિત્રતા રાખવી યોગ્ય છે.'
પરેશ રાવલે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'આ સિવાય, અક્ષય કે હું બંને સોશિયલ માણસ નથી. કોઈ પણ પાર્ટીમાં અમારી મુલાકાત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેથી જ મેં તેને કલીગ કહ્યો. પરંતુ અટકળો શરૂ થઈ ગઈ. લોકો પૂછી રહ્યા છે કે, 'શું થયું?' અરે ભાઈ, કંઈ થયું નથી.'