પ્રેગ્નેન્સીમાં સેટ પર ડૉક્ટરને મળવાની પણ મંજૂરી ન હતી, રાધિકા આપ્ટેનો પ્રોડ્યુસર પર આરોપ
Radhika Apte: બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાધિકાને OTTની ક્વિન કહેવામાં આવે છે. રાધિકા તેની પર્સનલ લાઈફ વિશે ક્યારે વાત નથી કરી. પણ હાલમાં જ તેણે તેની પ્રેગ્નન્સીના દિવસોને યાદ કરતા એક પ્રોડયૂસર પર ગંભીર આરોપ લગાવ્યો હતો. રાધિકાએ જણાવ્યું હતું કે તેણે પ્રોડ્યુસરના વિચિત્ર વર્તનનો ભોગ બનવું પડ્યું હતું. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે બોલિવૂડ હજુ પણ પ્રેગ્નેન્ટ અભિનેત્રીઓ અંગે રૂઢિચુસ્ત વિચારસરણીમાં અટવાયેલું છે. પ્રેગ્નન્સીના દિવસોમાં તેણે ઘણી ભાવનાત્મક અને શારીરિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
આ દરમિયાન તેણે માતા બનવાથી લઈને સમાજમાં રહેલી જૂની વિચારસરણી અને ભેદભાવ પર વાત કરી હતી. તેણે કહ્યું કે 'પ્રેગ્નન્સી દરમિયાન હું જે પ્રોડ્યુસર સાથે કામ કરતી હતી, તેને મારી પ્રેગ્નન્સીના સમાચારથી જ વાંધો પડ્યો હતો.'
'પ્રેગ્નેન્ટ હતી છતાં ટાઈટ કપડાં પહેરાવ્યા..'
રાધિકાએ કહ્યું કે, ‘તેમનું વલણ મારા પ્રત્યેનું વલણ ખૂબજ કડક હતું, એમણે મને ટાઈટ કપડાં પહેરવા જીદ કરી હતી, જ્યારે હું પ્રેગ્નન્ટ હતી, ત્યારે ખૂબ અસ્વસ્થતા અનુભવી રહી હતી. મને વારંવાર ભૂખ લાગતી તો પાસ્તા અથવા ભાત વધારે ખાતી હતી. એ સમયે પ્રોડ્યુસરે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. એટલું જ નહીં, મને ઠીક ન લાગવાથી સેટ પર ડૉક્ટરને પણ મળવાની મંજૂરી નહોતી આપી.'
હોલિવૂડના મેકર્સના કર્યા વખાણ
જોકે, રાધિકા તે સમયે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી હતી. તેણે તે ફિલ્મના પ્રોડ્યુસરની પ્રશંસા કરતા કહ્યું કે, 'હોલિવૂડના એક ફિલ્મ પ્રોડ્યુસરે મારો ખૂબ સપોર્ટ કર્યો હતો. જ્યારે હું તેમને કહેતી હતી કે હું વધુ ખાઈ રહી છું અને શૂટિંગના અંત સુધી મારો લુક બદલાઈ શકે છે, તો તેમણે હસીને કહ્યું, 'ચિંતા ન કરો, જો તમે આ પ્રોજેક્ટના અંત સુધી સંપૂર્ણપણે બદલી પણ જાઓ, તો પણ કોઈ વાત નથી, કારણ કે તમે પ્રેગ્નન્ટ છો.' તેમનું મારા પ્રત્યે આવુ વલણ ખૂબ સારું રહ્યું હતું'.
રાધિકાએ જણાવ્યું કે તે પ્રોફેશનલ જવાબદારીઓને સારી રીતે સમજે છે, અને હંમેશાં તેનો સન્માન પણ કરે છે. તેણે કહ્યું 'હું કોઈની પાસેથી ખાસ વર્તનની અપેક્ષા રાખતી ન હતી, ફક્ત થોડી-થોડી માનવતા અને સમજદારી જ ઈચ્છતી હતી.'
જણાવી દઈએ કે રાધિકાની મુલાકાત બેનેડિક્ટ ટેલર સાથે 2011માં લંડનમાં થઈ હતી, જ્યારે તે એક વર્ષના બ્રેક પર હતી અને કન્ટેમ્પરરી ડાંસ શીખવા ગઈ હતી. બંનેએ 2013માં લગ્ન કર્યા હતા, અને ડિસેમ્બર 2024માં રાધિકાએ દીકરીને જન્મ આપ્યો હતો.