DJ અક્ષય કુમારે કરી આત્મહત્યા,ગર્લફ્રેન્ડ પર બ્લેકમેલિંગનો લાગ્યો આરોપ
નવી દિલ્હી,તા. 20 માર્ચ,2023,સોમવાર
ઓડિશાના પ્રખ્યાત ગાયક DJ Azex એટલે કે, અક્ષય કુમારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેમનો મૃતદેહ શનિવારે ઓડિશાના ભુવનેશ્વર સ્થિત ઘરે લટકતો મળી આવ્યો હતો. ડીજે એજેક્સને સ્થાનિક કેપિટલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડીજે એજેક્સને મૃત જાહેર કરવામાં આવ્યો. ડીજે એજેક્સ તેની ગર્લફ્રેન્ડના બ્લેકમેલને કારણે મોતને ભેટી ગયો હોવાના અહેવાલ છે. ડીજે એજેક્સ છેલ્લા 9 વર્ષથી સિંગિંગ અને ડીજે વર્ક માટે પ્રખ્યાત હતા.
ડીજે એજેક્સ 18 માર્ચ શનિવારના રોજ ઘરના રૂમમાં જતો જોવા મળ્યો હતો, ત્યારબાદ તે લાંબા સમય સુધી બહાર આવ્યો ન હતો. પરિવારના સભ્યોએ તેમને અનેક ફોન કોલ્સ કર્યા અને દરવાજો ખખડાવ્યો, પરંતુ ડીજે એજેક્સ તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.
પરિવારના સભ્યોને શંકા જતાં તેમણે રૂમનો દરવાજો તોડીને તપાસ કરતાં ડીજે એજેક્સનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં કલાકારના પરિવારજનોએ ડીજે એજેક્સની ગર્લફ્રેન્ડ અને તેના મિત્ર સામે તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.કહેવામાં આવી રહ્યું છે કે, ડીજે એજેક્સની ગર્લફ્રેન્ડ તેના સિવાય કોઈ અન્ય સાથે રિલેશનશિપમાં હતી.
ડીજે એજેક્સના પરિવારની ફરિયાદ બાદ પોલીસ હવે ડીજે એજેક્સની ગર્લફ્રેન્ડ અને તેના મિત્રની પૂછપરછ કરશે. આ સાથે પોલીસે DJ AJAX ના તમામ મોબાઈલ ફોન કબજે કરી મામલાની તપાસ શરૂ કરી છે.