હવે ઋષભ શેટ્ટીનો છત્રપતિ શિવાજી મહારાજ તરીકેનો લૂક રીલિઝ
- ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ કરવાની જાહેરાત
- ઋષભની કાંતારાની પ્રીકવલ આ વર્ષે ઓક્ટોબરમાં જ રીલિઝ થવાની છે
મુંબઈ : વિક્કી કૌશલની 'છાવા' હાલ ટિકિટબારી પર છવાઈ ગઈ છે. વિક્કીએ આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે. હવે 'કાંતારા'થી ફેમસ થયેલો ઋષભ શેટ્ટી પણ છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં દેખાવાનો છે. આ ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ થવાની છે. શિવાજી મહારાજના જન્મદિન નિમિત્તે આ ફિલ્મમાં ઋષભનો લૂક પ્રગટ કરવામાં આવ્યો હતો. 'ધી પ્રાઈડ ઓફ ભારત, છત્રપતિ શિવાજી મહારાજ' એવાં ટાઈટલ સાથેની ફિલ્મ આવતાં વર્ષે જાન્યુઆરીમાં રીલિઝ કરવાનું એલાન પણ નિર્માતાઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મની બાકીની કાસ્ટની કોઈ માહિતી હજુ સુધી અપાઈ નથી.
દરમિયાન, ઋષભ શેટ્ટીની 'કાંતારા'ની પ્રીકવલ આ વર્ષે ઓક્ટોબર માસમાં જ રીલિઝ થવાની છે. આ ઉપરાંત તે 'જય હનુમાન' ફિલ્મમાં હનુમાનજીની મુખ્ય ભૂમિકા પણ ભજવવાનો છે. આ ફિલ્મ અગાઉ આવી ચૂકેલી 'હનુમાન' ફિલ્મની સીકવલ છે.