નોરા ફતેહીએ દિલ્હીની કોર્ટમાં જેકલિન ફર્નાન્ડિઝ વિરૂદ્ધ 200 કરોડનો માનહાનીનો કેસ કર્યો
200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી
EDએ પોતાની ચાર્જશીટમાં અભિનેત્રી જેકલીનને આરોપી બનાવી છે
IMAGE- FACEBOOK
નવી દિલ્હી, 12 ડિસેમ્બર 2022, સોમવાર
પટિયાલા હાઉસ કોર્ટમાં ઠગ સુકેશ ચંદ્રશેખરના કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં સહ-આરોપી જેકલીન ફર્નાન્ડિસ સામે આરોપો ઘડવા અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે આ મામલે આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થશે. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખરનું નામ જોડાયા બાદ જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી ગઈ છે. બીજી તરફ અભિનેત્રી નોરા ફતેહીએ તેની વિરૂદ્ધ દિલ્હી કોર્ટમાં 200 કરોડનો માનહાનીનો કેસ કર્યો છે.
જેકલિને મારી વિરૂદ્ધ ખોટા નિવેદનો આપ્યાઃ નોરા ફતેહી
આ કેસને લઈને નોરા ફતેહીએ દાવો કર્યો હતો કે, જેકલિન ફર્નાન્ડિઝ અને કેટલીક મીડિયા આ કેસમાં એકબીજા સાથે મળીને કામ કરે છે. જેકલિને મારી વિરૂદ્ધ ખોટા નિવેદનો આપ્યા હતાં. તેનું કહેવું છે કે આ કેસમાં તેનું નામ જોરજબરદસ્તીથી લાવવામાં આવ્યું છે. તેણે સુકેશ પાસેથી ગિફ્ટ્સ લીધી હોવાની વાતને વખોડી કાઢી હતી. તેણે કહ્યું હતું કે, મીડિયા ટ્રાયલને કારણે તેની છબીને ઠેસ પહોંચી છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેનું જેકલિન સાથે કોઈ કનેક્શન નથી.
EDએ ચાર્જશીટમાં જેકલીનને આરોપી બનાવી
બીજી બાજુ ED એ પોતાની ચાર્જશીટમાં અભિનેત્રી જેકલીનને આરોપી બનાવી છે, ત્યારથી તેની ધરપકડની માંગ ઉઠી રહી છે. સુકેશ અને જેકલીનનો પરિચય કરાવનાર પિંકી ઈરાનીની પણ EOW દ્વારા ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી હતી. 15 નવેમ્બરે જ બોલિવૂડ એક્ટ્રેસ જેકલીનને મની લોન્ડરિંગ કેસમાં મોટી રાહત મળી છે. ત્યારબાદ પટિયાલા હાઉસ કોર્ટે તેને 2 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા.
જેકલિન હવે મંજુરી વિના દેશ છોડી શકશે નહીં
જેકલીન કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં. આ પહેલા 10 નવેમ્બરે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે જામીન પરનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જેકલીન ફર્નાન્ડિસ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરને સંડોવતા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં અભિનેત્રી નોરા ફતેહીની પણ પૂછપરછ કરી છે.