છેતરપિંડીના આરોપસર અભિનેત્રી સોનાક્ષી સિન્હા વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ, જાણો શું છે કેસ
- કાર્યક્રમ પહેલા સોનાક્ષીએ પોતાના અને પોતાના મેનેજરના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી દીધા હતા અને પછી આવવાની ના પાડી હતી
મુંબઈ, તા. 06 માર્ચ, 2022, રવિવાર
ઉત્તર પ્રદેશના મુરાદાબાદની એક કોર્ટે બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડ્યું છે. આ કેસ દિલ્હીમાં આયોજિત થનારી એક ઈવેન્ટમાં ન જવાને લગતો છે. મુરાદાબાદના કટઘર થાણા વિસ્તારના રહેવાસી ઈવેન્ટ ઓર્ગેનાઈઝર પ્રમોદ શર્માએ સોનાક્ષી સિન્હાને એક ઈવેન્ટમાં આમંત્રણ આપ્યું હતું અને તે માટે અમુક પેમેન્ટ પણ કર્યું હતું.
ઈવેન્ટ ઓર્ગેનાઈઝરે આરોપ લગાવ્યો છે કે, પૈસા લીધા બાદ પણ સોનાક્ષી તે ઈવેન્ટમાં ન પહોંચી અને એટલું જ નહીં, જ્યારે પૈસા પાછા માગવામાં આવ્યા તો સોનાક્ષી સિન્હાના મેનેજરે તે પૈસા પાછા આપવાની પણ ના પાડી દીધી. અનેક વખત સોનાક્ષીનો સંપર્ક કર્યા બાદ પણ જ્યારે ઈવેન્ટ ઓર્ગેનાઈઝરને પૈસા ન મળ્યા તો તેમણે એક્શન લઈને સોનાક્ષી વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કરાવી દીધો છે.
આ મામલે પોતાનું નિવેદન આપવા સોનાક્ષી અનેક વખત મુરાદાબાદ જઈ ચુકી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ગેરહાજર રહી તે કારણે કોર્ટે છેતરપિંડીના કેસમાં સોનાક્ષી વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું છે.
ગત 30 સપ્ટેમ્બર, 2018ના રોજ દિલ્હીના સીરી ફોર્ટ ઓડિટોરિયમ ખાતે ઈન્ડિયા ફેશન એન્ડ બ્યુટી એવોર્ડ સમારંભ યોજાવાનો હતો. પ્રમોદ શર્માએ ટેલેન્ટ ફુલઓન અને એક્સીડ એન્ટરટેઈનમેન્ટ નામની કંપનીઓ દ્વારા અભિનેત્રી સોનાક્ષી સિન્હાને આ કાર્યક્રમમાં બોલાવી હતી. આ માટે એક કોન્ટ્રાક્ટ પણ થયો હતો. કાર્યક્રમ પહેલા સોનાક્ષીએ પોતાના અને પોતાના મેનેજરના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી દીધા હતા અને પછી આવવાની ના પાડી હતી. કાર્યક્રમમાં સોનાક્ષીની અનુપસ્થિતિના કારણે પ્રમોદ શર્માને ખૂબ નુકસાન થયું હતું.
પ્રમોદ શર્માના કહેવા પ્રમાણે જૂન મહિનામાં સોનાક્ષીને કોન્ટ્રાક્ટ પ્રમાણે 28 લાખ 17 હજાર રૂપિયાની ચુકવણી 4 હપ્તામાં કરવામાં આવી હતી. કંપનીને કમિશન તરીકે 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તમામ પૈસાની આરટીજીએસ અંતર્ગત ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી હતી.