Get The App

નિધિ અગ્રવાલને ટોળાંએ ઘેરી લીધી, વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયાં

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
નિધિ અગ્રવાલને ટોળાંએ ઘેરી લીધી, વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયાં 1 - image

- માંડ માંડ બચાવીને કાર સુધી પહોંચાડાઈ

- હૈદરાબાદના લુલ્લુ મોલના સંચાલકો તથા ઈવેન્ટ આયોજકો સામે પોલીસ કેસ દાખલ

મુંબઇ : પ્રભાસની 'રાજા સાહેબ' ફિલ્મની હિરોઈન નિધિ અગ્રવાલને હૈદરાબાદના લુલ્લુ મોલ ખાતે ટોળાંએ ઘેરી લીધી હતી. ટોળાંથી બચવા જતાં અને ધક્કામુક્કીને કારણે તેનાં વસ્ત્રો પણ અસ્તવ્યસ્ત થઈ ગયાં હતાં. નિધિને માંડ માંડ ટોળાંથી બચાવી તેની કાર સુધી પહોંચાડાઈ હતી. ઈન્ટરનેટ પર વ્યાપક જનાક્રોશ બાદ  સ્થાનિક પોલીસે લુલ્લુ મોલના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળે છે. 

નિધિ મોલમાં ફિલ્મનાં એક સોંગના લોન્ચિંગ માટે ગઈ હતી. જોકે, ત્યાં ટોળું બેકાબુ બની ગયું હતું અને સંખ્યાબંધ લોકો નિધિ તરફ ધસી ગયા હતા. ભારે ભીડ અને ધક્કામુક્કી વચ્ચે નિધિ ભીંસાવા લાગી હતી અને માંડ માંડ પોતાનાં વસ્ત્રો સંભાળી શકી હતી.  કેટલાય લોકોએ નિધિને ધક્કા પણ માર્યા હતા અને તે આમતેમ ફંગોળાતાં બચી હતી. 

આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં ફિલ્મ ચાહકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો  હતો. લોકોએ હૈદરાબાદ પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી. આટલા લોકોની હાજરીમાં જો એક યુવતી સલામત ન રહી શકે તો કાયદો અને વ્યવસ્થા બાબતે સવાલ ઉભા થાય છે તેવું લોકોએ લખ્યું હતું. લોકોએ ટોળાંનાં કૃત્યને પાશવી અને અસભ્ય ગણાવ્યું હતું. 

ઈન્ટરનેટ પર ઝાટકણી બાદ પોલીસે લુલ્લુ મોલના સંચાલકો   તથા ઈવેન્ટ આયોજકો સામે કેસ દાખલ કર્યો હતો. પોલીસના દાવા અનુસાર આ ઈવેન્ટની પૂર્વમંજૂરી લેવાઈ ન હતી અને તે વિશે પોલીસને આગોતરી જાણ કરાઈ ન હતી. કાર્યક્રમ સ્થળે ક્રાઉડ મેનેજમેન્ટની પણ કોઈ વ્યવસ્થા  ન હતી.  ઉલ્લેખનીય છે કે અગાઉ હૈદરાબાદમાં જ એક થિયેટર ખાતે 'પુષ્પા ટુ'ના શો દરમિયાન અલ્લુ અર્જુનને જોવા ટોળાં ઉમટતાં થયેલી ધક્કામુક્કીમાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ પણ કરી હતી.