- પોલીસને દરોડા દરમિયાન કેટલાંક બિલો સહિતના દસ્તાવેજો મળ્યા
- નવા પુરાવાની ચકાસણી હાથ ધરાઈ : જોકે, વિક્રમ ભટ્ટની ટીમ દ્વારા તપાસમાં સહકાર નહિ અપાતો હોવાનો પોલીસનો દાવો
મુંબઈ : ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ તથા તેમનાં પત્ની શ્વેતામ્બરી ભટ્ટ સામે ઉદયપુરની એક કંપની સાથે ફિલ્મો બનાવવાના નામે છેતરપિંડી કરવાના નોંધાયેલા કેસમાં મુશ્કેલી વધી છે. પોલીસના દાવા અનુસાર આ દંપતી સામે વધુ કેટલાક પુરાવા મળી આવ્યા છે.
વિક્રમ ભટ્ટ તથા શ્વેતામ્બરી ભટ્ટ હાલ રાજસ્થાનની જેલમાં છે અને તેમની જામીન અરજી બે-બે વખત ફગાવવામાં આવી ચૂકી છે. હવે પોલીસ તેમની સામેના નવા પુરાવાની ચકાસણી કરી રહી છે. પોલીસના દાવા મુજબ ભટ્ટ દંપતી તથા તેમની ટીમ દ્વારા તપાસમાં સહકાર મળી રહ્યો નથી.
વિક્રમ ભટ્ટ તથા તેમનાં પત્નીની ગત ડિસેમ્બરમાં મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. હવે નવા દાવા મુજબ તેમનાં કેટલાંક સ્થાનો પર હાથ ધરાયેલાં સર્ચ ઓપરેશન્સ દરમિયાન તેમની વિરુદ્ધ નવા પુરાવા પણ સાંપડયા છે.
આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે અમને વિક્રમ ભટ્ટનાં મુંબઈનાં સ્થળોએથી કેટલાંક બિલો મળી આવ્યાં છે. અમે આ બિલોનું ક્રોસ વેરિફિકેશન કરી રહ્યા છીએ. જોકે, વિક્રમ ભટ્ટની ટીમ દ્વારા પોલીસને તપાસમાં સહકાર અપાતો નથી આથી અમારી તપાસ મુશ્કેલ બની છે.
ઉદયપુરના એક બિઝનેસમેન દ્વારા ગત નવેમ્બરમાં નોંધાવાયેલી પોલીસ ફરિયાદ અનુસાર વિક્રમ ભટ્ટે તેમની પાસેથી ચાર ફિલ્મો બનાવવા માટે ભંડોળ મેળવ્યું હતું. જોકે, તેમણે બાદમાં ફક્ત બે જ ફિલ્મો બનાવી હતી. બાકીના ૪૪. ૨૭ કરોડ રુપિયાની ખોટાં બિલો અને વધારાની રકમ દર્શાવતાં વાઉચરો રજૂૂ કરી ઉચાપત કરી લેવામાં આવી હતી.
બીજી તરફ વિક્રમ ભટ્ટના વકીલો દ્વારા આ તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા છે. તેમના કહેવા મુજબ પોલીસ બહુ જ આડેધડ રીતે તપાસ કરી રહી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમોનું પાલન કર્યા વિના તપાસ હાથ ધરાઈ રહી છે.


