Get The App

નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! 'સરકે ચુનર' ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! 'સરકે ચુનર' ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો 1 - image

Sarke Chunar Song Controversy: રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને 'સરકે ચુનર' ગીતમાં અશ્લીલતા અને અભદ્રતાના આરોપો અંગે સબંધિત મીડિયા અહેવાલો પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે. આયોગે આ મામલે અભિનેત્રી નોરા ફતેહી, રકીબ આલમ, અભિનેતા સંજય દત્ત, વેંકટ કે. નારાયણ (નિર્માતા, કેવીએન ગ્રુપ) અને કિરણ કુમાર (નિર્દેશક) ને આયોગ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. 

રાષ્ટ્રીય મહિલા આયોગે લીધું સંજ્ઞાન

રાષ્ટ્રીય મહિલા આયોગ તરફથી આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતા માહિતી આપી છે. આયોગનું કહેવું છે કે, પહેલી નજરે જોતા આ ગીત જાતીય રીતે ઉત્તેજક, વાંધાજનક અને ભારતીય દંડ સંહિતા, માહિતી ટેકનોલોજી અધિનિયમ અને પોક્સો કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન પ્રતીત થાય છે, તેથી આયોગે આ બાબતને ગંભીરતાથી લીધી છે.


આયોગે નોરા ફતેહી, રકીબ આલમ, સંજય દત્ત, વેંકટ કે. નારાયણ અને કિરણ કુમારને મંગળવારે 24 માર્ચના રોજ બપોરે 12:30 વાગ્યે સબંધિત દસ્તાવેજો સાથે હાજર થવા માટે કહ્યું છે. આયોગે કહ્યું કે, 'જો હાજર ન રહેશો તો કાયદા પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે.' 

NHRCએ મોકલી નોટિસ

નોરા ફતેહીના આ ગીતને લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBC), ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ગૂગલ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે.

આ પણ વાંચો: નોરા ફતેહી અને સંજય દત્તનું 'સરકે ચુનર' ગીત યુટ્યુબ પરથી હટાવાયું, વિવાદ બાદ મેકર્સનો મોટો નિર્ણય

'સરકે ચુનર' ગીત પર વિવાદ

'સરકે ચુનર' ગીત આગામી ફિલ્મ 'કેડી: ધ ડેવિલ'નું છે. આ ગીતના કારણે સંજય દત્ત અને નોરા ફતેહીને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. 

'સરકે ચુનર' ગીતને લઈને વિવાદને વધવાથી મેકર્સે તેને યુટ્યુબ પરથી હટાવી દીધું છે. આ ગીત માંગલીએ ગાયું છે. તેના શબ્દો રકીબ આલમે લખ્યા છે અને અર્જુન જાન્યાએ તૈયાર કર્યું છે.