નવાઝુદીને પોતાના પુસ્તકમાં નિહારિકા સાથેના સેક્સ સંબંધનો ઉલ્લેખ કર્યો
- અભિનેત્રીએ કહ્યું વેચાણ વધારવાનું તિકડમ
મુંબઈ,તા.૨૪ બુધવાર, ઓક્ટોબર 2017
નવાઝુદીન સિદિકીએ પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે કે સેક્સ માટે એણે અભિનેત્રી નિહારિકા સિંહનો ઉપયોગ કર્યો હતો. અભિનેત્રી નિહારિકા સિંહનું કહેવું છે કે નવાઝુદીન પોતાના પુસ્તકનું વેચાણ વધારવા માટે એક મહિલાને બદનામ કરી રહ્યો છે.
નિહારિકા એક નિવેદન બહાર પાડી એ વાતનો સ્વીકાર કર્યો છે કે એ નવાઝુદીન સાથે એક તબક્કે રિલેશનશીપમાં હતી. વર્ષ ૨૦૦૯માં ફિલ્મ 'મિસ લવલી'ના શૂટિંગ દરમિયાન બન્ને રિલેશનશીપમાં રહ્યાં હતાં. જે થોડાક મહિનાઓ સુધી ચાલી હતી. આ કારણથી જો નવાઝુદીન એને આવી રીતે પુસ્તકમાં ચીતરતો હોય તો આ બાબત પર આજે એને હસવું આવે છે. એણે કહ્યું કે આજે નવાઝુદીન પોેતાના પુસ્તકનું વેચાણ વધારવા માટે આટલી હદ સુધી નીચે ઉતરી એક મહિલાનું જાતીય શોષણ કરી એને બદનામ કરવા તૈયાર થઈ ગયો છે એનું એને દુઃખ છે.
નવાઝુદીને પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે કે નિહારિકા સાથેની રિલેશનશીપ દરમિયાન એ અત્યંત સ્વાર્થી બની ગયો હતો અને માત્ર સેક્સ માટે એણે નિહારિકાનો ઉપયોગ કર્યો હતો.