નસીરુદ્દીન શાહે દેશના ઈતિહાસ પર પ્રશ્ન ઉઠાવ્યો કહ્યુઃ અકબરની છબી ખરાબ કરવામાં આવી છે
- અકબરે ક્યારેય કોઈ નવો ધર્મ શરૂ કરવાનો પ્રયાસ કર્યો નથીઃ નસીરુદ્દીન શાહ
મુંબઈ, તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર
બોલિવુડના દિગ્ગજ કલાકાર નસીરુદ્દીન શાહ તાજેતરમાં પોતાની વેબ સીરિઝ 'તાજ ડિવાઈડેડ બાય બ્લડ'ના કારણે ચર્ચામાં છે. ZEE5ની આ સીરિઝમાં અભિનેતા બાદશાહ અકબરની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં અભિનેતાએ પ્રમોશન દરમિયાન અકબર વિશે ભણાવવામાં આવતા ખોટા તથ્યો પર સવાલ ઉઠાવ્યા હતા. અભિનેતાએ કહ્યું હતું કે તેમને 60ના દાયકામાં ભણાવવામાં આવ્યું હતું કે અકબર હંમેશાથી એક નવો ધર્મ બનાવવા માંગતા હતા પરંતુ આ બધી વાતો થોટી હતી. તો ચાલો જાણીએ અભિનેતાએ બીજું શું કહ્યું...
અકબરે ક્યારેય આ શબ્દનો ઉપયોગ નથી કર્યો
નસીરુદ્દીન શાહે એક મીડિયા ઈન્ટરવ્યુમાં આ વાતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, 'મે કેટલાક સત્તાવાર ઈતિહાસકારોને એના વિશે પુછ્યું હતું. તેમણે કહ્યું હતું કે અકબરે ક્યારેય કોઈ નવો ધર્મ શરૂ કરવાનો પ્રયાસ કર્યો નથી. પુસ્તકોમાં લખ્યું છે અકબરને દિન-ઈલાહી કહેતા હતા. પરંતુ હું તમને સત્ય કહું, અકબરે ક્યારેય દિન-એ-ઈલાહી શબ્દનો પ્રયોગ કર્યો નથી. તેમણે તેને વહદત-એ-ઈલાહી કહ્યું હતું, જેનો અર્થ થાય છે 'સર્જકની એકતા'. તેમનું માનવું હતું કે તમે કોની પૂજા કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે આપણે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સર્જકની પૂજા કરીએ છીએ.'
કોણે કર્યા ઈતિહાસ સાથે ચેડા?
નસીરુદ્દીન શાહે વધુમાં કહ્યું હતું કે, 'શું તમે જાણો છો કે દિન-એ-ઈલાહી શબ્દ કેવી રીતે બન્યો? અબુલ ફઝલ એક ઈતિહાસકાર હતા. તેમને અકબરને પસંદ નહોતા તેથી તેણે વહદત-એ-ઈલાહીને અંગ્રેજીમાં 'ડિવાઈન પાવર' તરીકે લખી અને પછી જ્યારે ડિવાઈન પાવરનું ફારસીમાં ભાષાંતર થયું ત્યારે તેને દિન-એ-ઈલાહી તરીકે લખવામાં આવ્યું હતું. ત્યારથી માત્ર દિન-એ-ઈલાહી જ ભણાવવામાં આવવા માંડ્યું. આ તો તેવું થયું કે કોઈએ દક્ષિણ ભારતીય ફિલ્મની હિન્દી રિમેક બનાવી અને પછી દક્ષિણાં આ હિન્દી રીમેકની રીમેક બનાવી દીધી!