જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકી સામે પણ ફરિયાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Munawar Faruqui Lands in Legal Trouble: ઘણા સ્ટેન્ડઅપ કોમેડિયન છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શૉમાં રણવીર અલ્લાહબાદિયાના વિવાદાસ્પદ સવાલો બાદ ઘણો હોબાળો થયો હતો. એવામાં હવે અન્ય એક સ્ટેન્ડઅપ કોમેડિયન કાનૂની મુશ્કેલીમાં ફસાયો છે. તેની સામે FIR પણ નોંધવામાં આવી છે. 'બિગ બોસ'ના વિજેતા અને પ્રખ્યાત કોમેડિયન મુનાવર ફારુકીના શૉ 'હફ્તા વસૂલી' પર મુશ્કેલીઓ ઊભી થઈ છે. સમય રૈનાના શૉ ધ ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ બાદ હવે મુનાવર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને અશ્લીલતા ફેલાવવાનો આરોપ છે.
મુનાવર વિરુદ્ધ દિલ્હી પોલીસને નોંધાવી ફરિયાદ
આ શૉને લઈને એડવોકેટ અમિતા સચદેવે દિલ્હી પોલીસને ઈમેલ મોકલીને મુનાવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેનું કહેવું છે કે મુનાવરે તેના શૉમાં અશ્લીલતા ફેલાવી છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ ઉપરાંત સાંસ્કૃતિક મૂલ્યોનું પણ ઉલ્લંઘન થયું છે.
આ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી
એડવોકેટ અમિતા સચદેવાએ હફ્તા વસૂલી શૉ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં BNS કલમ 196, 299 અને 353 તેમજ IT એક્ટ અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ FIRની માંગણી કરવામાં આવી છે. ફરિયાદમાં આરોપ છે કે આ શૉ 'બહુવિધ ધર્મોનું અપમાન કરે છે', 'સાંસ્કૃતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે' અને 'યુવાન દિમાગ અને સમાજને પ્રદૂષિત કરવા' માટે જવાબદાર છે.
આ પણ વાંચો: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાના છુટાછેડાંની તૈયારી? મરાઠી એક્ટ્રેસ સાથે અફેરની ચર્ચા!
હિન્દુ જનજાગૃતિ સમિતિએ પણ આ પર પ્રતિબંધ મૂકવાની કરી હતી માંગ
અગાઉ હિન્દુ જનજાગૃતિ સમિતિએ પણ હફ્તા વસૂલી શૉ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે મુનાવર આ શૉમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, જે લોકોને જોવા માટે અસ્વીકાર્ય છે. આનાથી નૈતિક મૂલ્યોનું પતન થાય છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સે જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ.હફ્તા વસૂલીનો પ્રથમ એપિસોડ 14 ફેબ્રુઆરીએ શારિબ હાશ્મી અને વિવિયન ડીસેનાને ગેસ્ટ તરીકે બોલાવીને મહેમાનો સાથે પ્રીમિયર થયો હતો.