Get The App

સાસુ મુમતાઝની વાત ચાલતી હતી જમાઈ ફરદીનને હીરામંડી મળી

Updated: Jul 24th, 2022

GS TEAM

Google News
Google News
સાસુ મુમતાઝની વાત ચાલતી હતી જમાઈ ફરદીનને હીરામંડી મળી 1 - image

- ફરદીનનું ફિલ્મોમાં પુનરાગમન બાદ વેબ સિરીઝ ડેબ્યૂ

- સંજય લીલા ભણશાળીની વેબ સિરીઝ માટે ફરદીન શૂટિંગ પણ શરુ કરી ચૂક્યો હોવાનું ખુદ મુમતાઝે કન્ફર્મ કર્યું 

મુંબઈ


સંજય લીલા ભણશાળીની વેબ સિરીઝ હીરા મંડી માટે વિતેલા જમાનાની અભિનેત્રી મુમતાઝનો સંપર્ક કરાયો છે અને તે આ સિરીઝ દ્વારા સ્ક્રિન પર પુનરાગમન કરી રહી હોવાની વાતો ચાલી રહી છે પણ તે વચ્ચે એક નવા સમાચાર અનુસાર મુમતાઝનો જમાઈ અને ડ્રગ કેસ બાદ બોલીવૂડની રેસમાંથી ફેંકાઈ ગયેલો અભિનેતા ફરદીન ખાન આ સીરીઝ દ્વારા ઓટીટી ડેબ્યૂ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

મુમતાઝ અને મનિષા કોઈરાલાના સંજય લીલા ભણશાળી સાથેના ફોટા વાયરલ થયા બાદ મુમતાઝ આ વેબ સિરીઝમાં કામ કરશે તેવી અટકળોને વેગ મળ્યો હતો. જોકે, હવે ખુદ મુમતાઝે એક વાતચીતમાં કન્ફર્મ કર્યું છે કે ફરદીન આ સિરીઝમાં કામ કરી રહ્યો છે. હકીકતમાં ફરદીને તો સિરીઝમાં પોતાના હિસ્સાનું શૂટિંગ શરુ પણ કરી દીધું છે. બોલીવૂડના એક સમયના ધુરંધર એક્ટર અને ફિલ્મ સર્જક ફિરોઝ ખાનનો પુત્ર ફરદીન મુમતાઝની પુત્રીને પરણ્યો છે. 

ફરદીન આ વેબ સિરીઝમાં અદિતી રાવ હૈદરીના હીરો તરીકે કામ કરી રહ્યો હોવાની માહિતી છે. 

એક ડ્રગ પેડલર પાસેથી હાથોહાથ ડ્રગ લેતાં પકડાયા બાદ ફરદીન ફિલ્મોમાંથી દૂર થઈ ગયો હતો. જોકે, હવે તેણે ભૂતકાળને પાછળ છોડીને ફરી કમબેક માટે પ્રયાસો આદર્યા છે. તેની વિસ્ફોટ ફિલ્મ રિતેશ દેશમુખ અને પ્રિયા બાપટ સાથે આવી રહી છે. આશરે ૧૧ વર્ષ પછી તે ફરી ફિલ્મોમાં દેખાશે. એ સાથે હવે તેને સંજય લીલા ભણશાળીની વેબ સિરીઝમાં કામ મળતાં તેની કારકિર્દીને વેગ મળશે તેવી આશા છે. 

Tags :