સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાળકે ઍવોર્ડથી સન્માનિત કરાશે, સરકારની જાહેરાત
Mohanlal to Be Honored with Dadasaheb Phalke Award 2025 : મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ ભારત સરકારે દાદા સાહેબ ફાળકે ઍવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આ પુરસ્કાર ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન છે. મોહનલાલ છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યોગદાન આપી રહ્યા છે.
દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ સિલેક્શન સમિતિ દ્વારા મોહનલાલના નામની ભલામણ કરવામાં આવી હતી. સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું, કે 'મોહનલાલની અદ્ભુત સિનેમા યાત્રા પ્રેરણાદાયી છે. દિગ્ગજ સ્ટારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ એનાયત કરવામાં આવશે.'
71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ આગામી 23મી સપ્ટેમ્બરે યોજાવાનો છે. આ કાર્યક્રમમાં જ મોહનલાલને દાદા સાહેબ ફાળકે ઍવોર્ડથી સન્માનિત કરાશે. મોહનલાલ મલયાલમ ફિલ્મોના સ્ટાર છે પરંતુ તેમણે દેશભરના લોકો પર પોતાની અભિનય કળાની છાપ છોડી છે.
નોંધનીય છે કે મોહનલાલને અગાઉ ભારત સરકારે પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ સન્માનથી સન્માનિત કર્યા હતા. તેમને અત્યાર સુધીમાં 5 નેશનલ ફિલ્મ ઍવોર્ડ પણ મળી ચૂક્યા છે. તેમણે તેમના કરિયરમાં 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. મલયાલમની સાથે સાથે તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ મોહનલાલે કામ કર્યું છે.