મેટાવર્સ: કેમ બોલીવુડની નજર આની ઉપર ટકેલી છે?
- એન્ટરટેઈનમેન્ટ કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટ મેટાવર્સમાં ફિલ્મ લાવનારી પ્રથમ પ્રોડક્શન કંપની હશે
નવી દિલ્હી, તા. 03 મે 2022, મંગળવાર
આમ તો એન્ટરટેઈનમેન્ટની દુનિયા વાસ્તવિકતાની ઉંડાઈથી લઈને કલ્પનાના આકાશ સુધી ગમે ત્યાં સુધી જઈ શકે છે. જોકે, દર્શકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે માનવ હાજરી જરૂરી છે પરંતુ હવે એક આભાસી દુનિયાની કલ્પના કરી દરેક પ્રકારના દ્રશ્યોને ક્રિએટ કરવું પણ શક્ય થઈ રહ્યું છે અને તેને બોલીવુડ હાથોહાથ લેવા માટે તૈયાર છે.
અહીં વાત કરી રહ્યા છે મેટાવર્સની. ફિલ્મ જગત હવે તેની ફિલ્મોને મેટાવર્સ દ્વારા એવી દુનિયામાં લઈ જવા માટે તૈયાર છે જે એક સપનાથી પણ પરે છે. બોલીવુડના મોટા નિર્માતા આ મેટાવર્સના સહારે મનોરંજનને એક અલગ જ લેવલ પર લઈ જઈ શકે છે.
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, માત્ર 2 વર્ષમાં ભારતમાં મેટાવર્સનું માર્કેટ 800 અબજ ડોલર સુધી પહોંચી જશે. શરૂઆત પણ ટૂંક સમયમાં થશે જેની જાહેરાત 'બડે મિંયા છોટે મિંયા' નામની ફિલ્મથી થઈ ચૂકી છે.
મેટાવર્સ શું છે
મેટાવર્સ બે શબ્દોનું બનેલું છે. મેટાનો અર્થ બિયોન્ડ થાય છે એટલે કે, એવી વસ્તુ જે અસ્તિત્વમાં નથી અને વિચારથી પણ પર છે. વર્સ નો અર્થ યુનિવર્સ એટલે કે, તેને જોઈ ન શકાય. એકંદરે એક આભાસી દુનિયા.
સરળ શબ્દોમાં કહીએ તો મેટાવર્સનો અર્થ થાય છે એક એવું સ્થળ જ્યાં તમે છો જ નહીં, કદાચ તમે ત્યાં છો એવું વિચારી પણ નહીં શકો ત્યાં તમે ટેક્નોલોજીના સહારે વર્ચ્યુઅલી પોતાની હાજરી નોંધાવી શકે છે.
હાલના વર્ષોમાં ભારતીય ફિલ્મોમાં ટેક્નોલોજી દ્વારા ભવ્યતા લાવવાના અનેક પ્રયોગ કરવામાં આવ્યા છે. વીએફએક્સ અને સ્પેશિયલ વર્ચ્યુઅલ ઈફેક્ટ્સ તો અનેક ફિલ્મો અને વેબ સિરિઝનો ભાગ બની છે પરંતુ હવે તે મેટાવર્સને ફિલ્મોનો એક ભાગ બનાવવાનું શરૂ કરી રહ્યું છે.
એન્ટરટેઈનમેન્ટ કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટ મેટાવર્સમાં ફિલ્મ લાવનારી પ્રથમ પ્રોડક્શન કંપની હશે. થોડા દિવસ અગાઉ આ બેનરે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફને લઈને 'બડે મિંયા છોટે મિંયા'ની જાહેરાત કરી હતી.
જાણીતા સ્ટાર્સ મેટાવર્સ પર આવી રહ્યા છે
અજય દેવગન 'રુદ્ર-ધ એજ ઓફ ડાર્કનેસ' દ્વારા વેબ સિરિઝની દુનિયામાં પ્રવેશી ચૂક્યા છે અને તેમણે પણ મેટાવર્સને અપનાવ્યું છે. આ મેટાવર્સ માટે હંગામા ડિજિટલની વેબ3 વેન્ચર હેફટી એન્ટરટેઇનમેન્ટની સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું છે.
કમલ હાસન પણ મેટાવર્સમાં આવી રહ્યા છે. તેઓ ફ્રૈંટિકોની સાથે મળીને પોતાના નવા ડિજિટલ અવતાર એટલે કે ડિજિટલ રિયાલિટી સ્પેસને લોન્ચ કરવા જઈ રહ્યા છે.
ભારતમાં અનેક મેટાવર્સ સ્ટાર્ટઅપ આવવાથી મેટાવર્સ સ્પેસ વધવા લાગ્યું છે. મ્યૂઝિક કંપની ટી સિરિઝે હંગામા ટીવી સાથે જોઈન વેન્ચરમાં મેટાવર્સમાં આવવાની જાહેરાત કરી છે.