- બોલિવુડમાં કોમવાદ મુદ્દે વાગ્યુદ્ધ જામ્યું
- કંગનાએ રહેમાનને અતિશય પૂર્વગ્રહ અને દ્વેષ ધરાવતો માણસ લેખાવ્યો
મુંબઈ: સંગીતકાર એ આર રહેમાને બોલિવુડમાં પોતાને કોમવાદને કારણે કામ નથી મળતું તેમ કહી વિવાદનો મધપૂડો છંછેડયો છે. જોકે, રહેમાને તે પછી પોતે કોઈની લાગણી દૂૂભાવવા માગતો ન હતો તેવો ખુલાસો પણ કર્યો છે. જોકે, આ વિવાદ હવે આગળ વધ્યો છે. કંગનાએ રહેમાનને અતિશય પૂર્વગ્રહ ધરાવતો અને દ્વેષ ધરાવતો માણસ ગણાવ્યો છે. કંગનાએ અન્ય સંદર્ભમાં એક એવો પણ આક્ષેપ કર્યો છે કે તે અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે જવાની હતી ત્યારે મસાબાએ તેને તેની ડિઝાઈન કરેલી સાડી નહિ પહેરવા જણાવી દીધું હતું.
કંગનાએ એક લાંબી સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે પોતે ત્યારે 'તેજસ' ફિલ્મમાં કામ કરી રહી હતી તે વખતે પોતે રામ જન્મભૂમિ ખાતે જવાની હતી ત્યારે મસાબાએ આગ્રહ રાખ્યો હતો કે મારે તેની સ્ટાઈલ કરેલી સાડી ત્યાં પહેરવી નહિ અથવા તો હું તેની સાડી પહેરું તો તેના પરથી મસાબાનું લેબલ કાઢી નાખવાનું રહેશે.
કંગનાએ મસાબાની વાત બોલિવુડના ડિઝાઈનર્સ તેના માટે કેવો પૂર્વગ્રહ ધરાવે છે તે સંદર્ભમાં કરી છે પરંતુ નેટ યૂઝર્સ આ સમગ્ર ચર્ચાને બોલિવુડમાં હાલ કોમવાદ મુદ્દે ચાલેલી ચર્ચા સાથે જોડી રહ્યા છે.
અનેક નેટ યૂઝર્સએ જણાવ્યું હતું કે બોલિવુડ સેલિબ્રિટીઓમાં પોતાને સેક્યુલર ગણાવવાની ફેશન થઈ પડી છે.


