Get The App

મનોજ કુમારે કિંગ ખાન સામે કેમ કર્યો હતો 100 કરોડનો માનહાનિનો કેસ? શાહરુખે માંગવી પડી હતી માફી

Updated: Apr 4th, 2025

GS TEAM

Google News
Google News
મનોજ કુમારે કિંગ ખાન સામે કેમ કર્યો હતો 100 કરોડનો માનહાનિનો કેસ? શાહરુખે માંગવી પડી હતી માફી 1 - image

Manoj Kumar Death: 4 એપ્રિલ, 2025ના રોજ વહેલી સવારે પીઢ અભિનેતા મનોજ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા. 'ભારત કુમાર'ના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છે. તેમના ચાહકો અને દેશભરની જાણીતી હસ્તીઓ દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, ત્યારે તેમના જીવનનો એક વિવાદાસ્પદ કિસ્સા વિશે જાણવું રસપ્રદ રહેશે. અને કિસ્સો એ છે કે, મનોજ કુમારે એકવાર શાહરૂખ ખાન સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કર્યો હતો. ચાલો, એ કેસની વિગતોમાં ઊંડા ઉતરીને જાણીએ કે આખરે થયું શું હતું.

શું હતો વિવાદ?

વર્ષ 2007 માં શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ રિલીઝ થઈ હતી. ફરાહ ખાન દિગ્દર્શિત આ ફિલ્મ દીપિકા પાદૂકોણની પહેલી ફિલ્મ હતી. બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થયેલી આ ફિલ્મના એક દૃશ્યમાં શાહરૂખ ખાને હથેળી વડે ચહેરો ઢાંકવાની મનોજ કુમારની સિગ્નેચર સ્ટાઈલની નકલ કરી હતી. મનોજ કુમારને આ દ્રશ્ય અપમાનજનક લાગ્યું હતું અને તેમણે નિર્માતાઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી.

કોર્ટે કેવો આદેશ આપ્યો હતો?

આ કેસમાં કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે, અભિનેતાએ જે દૃશ્ય બાબતે વાંધો ઊઠાવ્યો છે, એ દૃશ્ય ફિલ્મની તમામ પ્રિન્ટ્સમાંથી દૂર કરવામાં આવે અને ટીવી જેવા અન્ય માધ્યમોમાં આ ફિલ્મ દર્શાવાય ત્યારે પણ એ દૃશ્ય ફિલ્મમાં ન હોવું જોઈએ. 

દૃશ્ય દૂર કરીને શાહરૂખ ખાને માફી માંગી 

કોર્ટના આદેશને પગલે ફિલ્મના નિર્માતા ગૌરી ખાન, દિગ્દર્શક ફરહા ખાને અને અભિનેતા શાહરૂખ ખાને એ વિવાદાસ્પદ દૃશ્ય ફિલ્મમાંથી દૂર કરી દીધું હતું. એ દૃશ્ય ભજવવા માટે શાહરૂખ ખાને મનોજ કુમારની માફી પણ માંગી હતી. 

શું કહ્યું હતું શાહરૂખ ખાને?

શાહરૂખ ખાને મીડિયાને જણાવ્યું હતું કે, 'હું ખોટો હતો. મેં એમને કોલ કરીને માફી માગી લીધી છે. લોકો બીજાની પેરોડી કરતા હોય છે. એવું થઈ જતું હોય છે, પણ મારે વધારે કાળજી રાખવી જોઈતી હતી. એ દૃશ્ય ભજવતાં અગાઉ મારે એમની મંજૂરી લેવી જોઈતી હતી.'

મેકર્સ બોલીને ફરી ગયા અને કર્યો માનહાનિનો દાવો

દૃશ્ય દૂર થઈ જતા અને માફી મંગાઈ લેવાતા મનોજ કુમારની નારાજગી દૂર થઈ ગઈ હતી. જોકે, મામલો ત્યાં નહોતો પતવાનો. પાંચ વર્ષ પછી ફરી ચગવાનો હતો. વર્ષ 2013 માં આ ફિલ્મ જાપાનમાં રિલીઝ કરવામાં આવી ત્યારે તેમાં પેલું વિવાદાસ્પદ સીન જેમનું તેમ રાખવામાં આવ્યું હતું. એ જોઈને મનોજ કુમાર ફરી નારાજ થયા હતા અને એમણે શાહરૂખ ખાન, ગૌરી ખાન અને વિતરક ઈરોસ ઈન્ટરનેશનલ પર માનહાનિનો 100 કરોડનો કેસ કરી દીધો. 

મનોજ કુમારે કેસ કેમ પાછો ખેંચી લીધો?

જોકે, થોડા સમયમાં મનોજ કુમારે માનહાનિનો કેસ પાછો ખેંચી લીધો હતો. અભિનેતાના વકીલે કહ્યું હતું કે, શાહરૂખ ખાને પ્રતિબદ્ધતાનું પાલન કર્યું ન હતું, તેથી મનોજ કુમાર વધુ દુખી થયા હતા. શાહરૂખ ખાન અને ફરાહ ખાનમાં જવાબદારીની ભાવના આવે એ માટે તેમણે કેસ કર્યો હતો, પણ એમ ન થતાં તેમણે કેસ પાછો ખેંચી લીધો હતો. 

મનોજ કુમાર મૂલ્યનિષ્ઠ માણસ હતા

‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘ઉપકાર’, ‘રોટી કપડા ઔર મકાન’ અને ‘ક્રાંતિ’ જેવી દેશભક્તિ પર આધારિત ફિલ્મો બનાવીને મનોજ કુમારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક વિશેષ સ્થાન બનાવ્યું હતું. તેમની ફિલ્મો ચોક્કસ પ્રકારના સામાજિક સંદેશ લઈને આવતી અને દર્શકોની વ્હાલી બની જતી. તેથી જ તેમને 'ભારત કુમાર'નું બિરુદ મળ્યું હતું. ફિલ્મોમાં જ નહીં, વાસ્તવિક જીવનમાં પણ તેઓ અન્યાય સામે અવાજ ઉઠાવવામાં પાછળ નહોતા પડતા અને શાહરૂખ ખાન સામે કરેલો કેસ એનું ઉદાહરણ છે. 

મનોજ કુમારે કિંગ ખાન સામે કેમ કર્યો હતો 100 કરોડનો માનહાનિનો કેસ? શાહરુખે માંગવી પડી હતી માફી 2 - image