પહેલીવાર મંદિરમાં થઈ ફિલ્મ સફળ થયાની ઉજવણી, સીક્વલ્સની કરાઈ જાહેરાત!
Mahavatar Narsimha Success Meet: ક્લીમ પ્રોડક્શનના બેનર હેઠર બનેલી અને હોમ્બ્લે ફિલ્મ્સ દ્વારા રજૂ કરાયેલી ફિલ્મ 'મહાવતાર નરસિમ્હા' બૉક્સ ઑફિસ પર કમાણીનો નવો રેકોર્ડ સર્જી રહી છે. સમગ્ર દેશમાં આ ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ દર દિવસે બૉક્સ ઓફિસ પર એક નવો રેકોર્ડ તોડી રહી છે. દર્શકોની સંખ્યા વધી રહી છે થિયેટર પણ હાઉસફુલ થઈ રહ્યા છે. ફિલ્મની મોટી સફળતાએ એક વાર ફરી સાબિત કર્યું છે કે હોમ્બલે ફિલ્મ્સ ભારતીય સિનેમાની ખરી તાકાત છે. મેકર્સે મુંબઈના ઇસ્કોન મંદિરમાં ફિલ્મની સફળતાની ઉજવણી પણ અનોખી ઉજવણી કરી હતી. 'મહાવતાર નરસિમ્હા'ની જબરદસ્ત સફળતાની ઉજવણી માટે ટીમે જે પદ્ધતિ પસંદ કરી છે તે ફિલ્મના ઇતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળી નથી.
પહેલીવાર ફિલ્મની સફળતાની ઉજવણી મંદિરમાં કરાઈ
પહેલી વખત એવું જોવા મળ્યું છે, જ્યારે કોઈ ફિલ્મની સક્સેસ મીટ મુંબઈના જુહૂ સ્થિત ISKCON મંદિરમાં યોજવામાં આવી છે. આ ઉજવણી પર હોમ્બલે ફિલ્મ્સના કો-ફાઉન્ડર ચાલુવે ગૌડા, ડિસ્ટ્રીબ્યુટર અનિલ ઠડાણી, ડિરેક્ટર અશ્વિન કુમાર અને પ્રોડ્યુસર શિલ્પા કુમાર હાજર રહ્યા. ઉજવણી માટે મેકર્સે કલબ અને પબ છોડીને આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો અને ફિલ્મની સફળતા માટે ભગવાનનો આભાર માન્યો. હોમ્બલે ફિલ્મ્સ અને ક્લીમ પ્રોડક્શન્સે મળીને આ ગ્રાન્ડ એનિમેટેડ ફ્રેન્ચાઇઝીની ઔપચારિક લાઇનઅપ જાહેર કરી દીધી છે, જે આવનાર એક દાયકા સુધી ભગવાન વિષ્ણુના દસ દિવ્ય અવતારોની કથા કહેશે. આ આવૃત્તિની શરૂઆત થશે મહાઅવતાર નરસિમ્હા(2025)થી, ત્યારબાદ મહાઅવતાર પરશુરામ (2027), મહાઅવતાર રઘુનંદન (2029), મહાઅવતાર દ્વારકાધીશ (2031), મહાઅવતાર ગોકુલાનંદ (2033), મહાઅવતાર કલ્કિ પાર્ટ 1 (2035) અને મહાઅવતાર કલ્કિ પાર્ટ 2 (2037) આવશે. આ આવૃત્તિને ભારતીય માઈથોલોજીની નવી ટેકનોલોજી અને ભવ્યતા સાથે દર્શકો સામે રજૂ કરાશે.
'મહાવતાર નરસિમ્હા' એ અત્યાર સુધી કેટલી કમાણી કરી
શિલ્પા ધવન, કુશલ દેસાઈ, અને ચૈતન્ય દેસાઈ દ્વારા કલીમ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવેલી ‘મહાઅવતાર નરસિમ્હા’નું નિર્દેશન અશ્વિન કુમારે કર્યું છે. 25 જુલાઈ 2025ના રોજ રિલીઝ થયેલી ‘મહાઅવતાર નરસિમ્હા’ ફિલ્મ લગભગ 15 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી. આ ફિલ્મ ભારતમાં 118 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે.