અર્જુન એવોર્ડ વિજેતા છે મહાભારતના 'ભીમ', દેશની સુરક્ષા માટે BSFમાં પણ આપી છે સેવા
અમદાવાદ, તા. 17 એપ્રિલ 2020, શુક્રવાર
દૂરદર્શન પર બી.આર. ચોપરાની 'મહાભારત'ના પુન:પ્રસારણ સાથે જ જૂની યાદો પણ ફરીથી તાજી થઈ ગઈ છે અને લોકોમાં તે કલાકારો અંગે જાણવાની જિજ્ઞાસા પણ વધી રહી છે. મહાભારતમાં 'ભીમ'નું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીએ પોતાની લાંબી કદ-કાઠીના કારણે અનેક લોકોના મન-મસ્તિષ્ક પર કબજો જમાવ્યો હતો. તેઓ અભિનેતા હોવા ઉપરાંત એક એથલીટ પણ હતા અને બીએસએફના જવાન તરીકે સેવા પણ આપેલી છે. મહાભારત શ્રેણીમાં જોડાયા તેના પહેલા પ્રવીણ કુમાર એક એથલીટ હતા અને એશિયાના નંબર વન રમતવીર રહી ચુક્યા છે.
રમત જગત ક્ષેત્રે પ્રદર્શન
હેમર અને ડિસ્ક થ્રોમાં લોકોનું દિલ જીતી લેનારા સોબતીએ 60 અને 70ના દશકામાં ખૂબ જ શાનદાર પ્રદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેઓ બોર્ડર સિક્યોરિટી ફોર્સના પૂર્વ જવાન તરીકે સેવા આપી ચુક્યા છે અને 1967નો અર્જુન એવોર્ડ પણ જીતી ચુક્યા છે. 1966ની એશિયન ગેમ્સમાં ભારતે એથલેટિક્સમાં 11 મેડલ્સ જીત્યા હતા જે પૈકીના બે સોબતીના કારણે મળ્યા હતા. આ ઉપરાંત બેંગકોક એશિયાડમાં ડિસ્ક થ્રોમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે હેમર થ્રોમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યાર બાદ 1970ની ટુર્નામેન્ટમાં ગોલ્ડ અને 1974ની તેહરાન ખાતેની ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સોબતીએ 1966ની કિંગ્સટન કોમનવેલ્થ ગેમ્સમાં હેમર થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે સિવાય 1968 અને 1972માં તેમણે ઓલમ્પિકમાં પણ હિસ્સો લીધો હતો.
આ રીતે મળ્યું મહાભારતમાં કામ
બીઆર ચોપરા મહાભારતમાં ભીમના પાત્ર માટે યોગ્ય અભિનેતાની શોધમાં હતા અને તેને લઈ ખૂબ ચિંતિત હતા. તેમને ભીમના રોલ માટે એક લાંબી કદ-કાઠી ધરાવતા યુવાનની જરૂર હતી. સોબતીના મિત્રએ તેમને બીઆર ચોપરા તેમને મળવા માંગતા હોવાની જાણ કરી હતી અને જોતજોતામાં તે ભીમના પાત્ર માટે પસંદગી પામ્યા હતા. જાણીને નવાઈ લાગશે કે 50થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા પ્રવીણ કુમારે જ ચાચા ચૌધરીમાં સાબુનો રોલ ભજવ્યો હતો.