મેડ ઈન હેવનના કલાકાર અર્જુન માથુરે બીજાં લગ્ન કર્યાં
- વૈભવી લગ્નોની સીરિઝના કલાકારના સાદાઈથી લગ્ન
- બહુ લાંબા સમયથી પતિ અને પત્નીની જેમ સાથે જ રહેતાં હતાં, વિધિની ઔપચારિકતા પૂર્ણ કરી
મુંબઇ: શોભિતા ધુલીપાલા સાથે 'મેડ ઈન હેવન' વેબ સીરિઝમાં કામ કરનારા કલાકાર અર્જુન માથુરે તેની ગર્લફ્રેન્ડ ટિયા તેજપાલ સાથે સાદાઈથી લગ્ન કરી લીધાં છે. અર્જુનના જણાવ્યા અનુસાર તે અને ટિયા લાંબા સમયથી પતિ પત્નીની જેમ સાથે જ રહેતાં હતાં અને તેમણે માત્ર વિધિની ઔપચારિકતા જ આટોપી છે.
અર્જુન અને ટિયાનાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. શરુઆતમાં બંને તરફથી કોઈ સ્પષ્ટતા ન આવતાં કેટલાક લોકોએ તો એમ પણ માની લીધું હતું કે આ તસવીર કદાચ 'મેડ ઈન હેવન' સીરિઝના આગળના ભાગનું જ શૂટિંગ હોઈ શકે છે. જોકે, બાદમાં અર્જુન માથુરે કન્ફર્મ કર્યું હતું કે તેણે ખરેખર વિધિપૂર્વક લગ્ન કરી લીધાં છે.
'મેડ ઈન હેવન' સીરિઝ ભપકાદાર લગ્નો પર આધારિત હતી. તે પરથી કેટલાક લોકોએ ટીખળ પણ કરી હતી કે આ સીરિઝમાં અનેક લોકોને ઠાઠબાઠથી પરણાવનારો અર્જુન કપૂર પોતે કેટલો સાદાઈથી લગ્ન કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અર્જુન માથુરે ૨૦૨૦૧માં સિમરિત મલ્હી સાથે લગ્ન કર્યા હતા. જોકે બે વરસમાં જ તેમના છૂટાછેડા થઇ ગયા હતા. આ પછી અર્જુન પત્રકાર તરુણ તેજપાલની પુત્રી ટિયા સાથે રિલેશનશિપમાં હતો. ટિયા પ્રોડકશન ડિઝાઇનર છે. તે પણ 'મેડ ઈન હેવન' માટે કામ કરી ચૂકી છે.