દરરોજ 1 કલાક સંગીત સાંભળવાથી રોગ પ્રતિકારકશકિત વધે છે
રાગ શિવરંજની સાંભળવાથી મનને સુખદ અનુભૂતિ થાય છે
રાગ ભૈરવી સાંભળવાથી ઉંચુ બ્લડપ્રેશર મટે છે
પેરિસ, 21, જુન, 2020, રવીવાર
21 જુને વિશ્વ સંગીત દિવસ ઉજવાય છે જેને ફેટે ડી સા મ્યૂઝિક તરીકે પણ ઓળખાય છે. ફ્રેન્ચ ભાષામાં તેનો અર્થ મ્યૂઝિક ફેસ્ટીવલ થાય છે. 1976માં સંગીતકાર અમેરિકાના યોએલ કોહેન દ્વારા પ્રથમ વાર વિશ્વ સંગીત દિવસ ઉજવવાની વાત કરી હતી પરંતુ તેની શરુઆત 1982માં ફ્રાંસમાં થઇ હતી. સંગીતનો પરીચય કરાવવાનો તથા એકસપર્ટ અને ઉભરતા કલાકારોને મંચ પુરો પાડવાનો છે. વિશ્વશાંતિ જાળવવા માટે સંગીતનું મહત્વ સમજાવવા માટે ફ્રાંસના કલાકારોએ વિશ્વ સંગીત દિવસ ઉજવવા આગળ આવ્યા હતા. જેનો શ્રેય ફ્રાંસના તત્કાલિન સાંસ્કૃતિક મંત્રી જેક લોને જાય છે.
ફ્રાંસમાં દરેક બીજી વ્યકિત સંગીત સાથે કોઇને કોઇ રીતે જોડાયેલી હોય છે. કા તો ગાયક હોય અથવા તો સંગીતનો જાણકાર હોય છે. ફ્રાંસમાં વિશ્વ મ્યૂઝિક દિવસે સંગીત રસિયાઓ પોતાના મનગમતા સંગીત વાધ સાથે બહાર નિકળે છે એટલું જ નહી સંગીત માણનારા સેંકડો લોકો પણ સંગીતના જલસાને માણે છે. વિશ્વ સંગીતના દિવસે ખ્યાતનામ સંગીત કલાકારો પણ લોકોની વચ્ચે આવીને એક પણ રુપિયો લીધા વિના પરફોર્મન્સ આપે છે. વર્તમાન સમયમાં કોરોના મહામારીની અસરના પગલે સંગીત સમારોહ પ્રમાણમાં ફિકા જણાય છે. આ દિવસે વિવિધ પ્રકારના સંગીત સમારંભનું આયોજન થાય છે. દરેક દેશમાં પોતાના સાંસ્કૃતિક કલ્ચર મુજબ જુદી જુદી રીતે તહેવાર ઉજવાય છે
રાગ માલકૌસથી માનસિક તણાવ ઓછો થાય છે
ભારતનું શાસ્ત્રિય સંગીત તણાવ, અનિદ્રા, બ્લડ પ્રેશર જેવી બીમારીઓના ઇલાજ માટે ઔષધિનું કામ કરે છે. એકાગ્ર મનથી સંગીત રાગ સાંભળવાથી પરમ શાંતિનો અનુભવ થાય છે. સંગીત રાગથી માત્ર રોગ જ નથી મટતો રોગીમાં નવા આત્મવિશ્વાસનો પણ સંચાર થાય છે. સંગીત નિષ્ણાતોનું માનવું છે કે રોજ 1 કલાક સંગીત સાંભળવાથી રોગ પ્રતિકારકશકિત વિકસે છે. રાગ પૂરિયા ઘનાશ્રીથી અનિદ્રા દૂર થાય છે જયારે માલકૌસથી માનસિક તણાવ ઓછો થાય છે. રાગ શિવરંજની મનને સુખદ અનુભૂતિ આપે છે. રાગ મોહિનીથી આત્મ વિશ્વાસમાં વધારો થાય છે. રાગ ભૈરવી બ્લડ પ્રેશર અ સમગ્ર ચેતાતંત્રને નિયંત્રિત કરે છે. રાગ પહાડી સ્નાયુતંત્રને ફાયદો કરે છે. રાગ દરબારી કાન્હાડા અસ્થમા,રાગ તોડી માથાનો દુખાવો અને ક્રોધ મટાડે છે. જો કે એલોપેથી ચિકિત્સામાં આનું પ્રમાણ મળતું નથી પરંતુ મ્યૂઝિક થેરાપીમાં આનું ખૂબ મહત્વ છે.
આ 17 દેશોમાં વિશ્વ સંગીત દિવસ ઉજવાય છે
વિશ્વ સંગીત દિવસ ભારત, ઓસ્ટ્રેલિયા, બેલ્ઝિયમ, બ્રિટન, લકસમબર્ગ, બ્રિટન, જર્મની, સ્વિત્ઝરલેન્ડ, કોસ્ટારિકા, ઇઝરાયલ, ચીન, લેબનાન, મલેશિયા, મોરકકો, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, રોમાનિયા અને કોલંબિયા સહિતના 17 દેશોમાં ઉજવાય છે. . ભારતમાં વિવિધ પ્રકારની સંગીત સ્પર્ધાઓ અને સંગીત કાર્યક્રમની પ્રસ્તુતિ થાય છે. સંગીત આમ તો સાત સુરોમાં બંધાયેલું છે પરંતુ તેની કોઇ સરહદ નડતી નથી. સંગીતના પ્રવાહ માણસના જીવન પર ખૂબ પડે છે. સંગીતએ માનવ જગતને ઇશ્વરે આપેલું એક અદૂભૂત વરદાન છે. માણસનો ધર્મ, ખાન પાન અને પહેરવેશ ભલે જુદો હોય પરંતુ સંગીતની ભાષા એક જ હોય છે.