સ્વરા ભાસ્કર પણ સોનૂ સૂદની જેમ પરપ્રાંતીય મજૂરોને ઘર ભેગા કરી રહી છે
- અભિનેત્રીએ દિલ્હીથી શ્રમિકોને ઘરભેગા કરવાનું બીડુ ઝડપ્યું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 29 મે 2020, શુક્રવાર
સ્વરા ભાસ્કર હવે મજૂરોની મદદ માટે ઊતરી છે. તેણે દિલ્હીમાં રહેતા બિહાર અને ઉત્તર પ્રદેશના શ્રમિકોને ઘરભેગા કરવા માટે ઝુંબેશ ઉપાડી છે.
સ્વરાએ કહ્યું હતું કે, ઘરે જવા માટે ઉતાવળા થયેલા લાચાર બેરોજગાર મજૂરોની પીડા જોઇ શકાતી નથી. આ માનવીય સંકટમાં તેમની વહારે આવવા માટે મારું દિલ દ્રવી હયું અત્યાર સુધી મેં ૧૩૫૦ મજૂરોને દિલ્હીથી પોતાના ઘરે પહોંચાડયા છે.
સ્વરાએ જણાવ્યું હતું કે, લાખો મજૂરોની મુસીબતો મારાથી જોવાઇ નહીં. મને થયું કે હું ઘરમાં આરામથી બેઠી રહું અને આ લોકો પોતાના ઘરે જવા માટે વલખા મારી રહ્યા છે. મને મારી જાત પ્રત્યે નફરત થઇ હતી અને આ અપરાધ બોઝમાંથી બહાર નીકળવા માટે હું આ લોકોની મદદ કરવા માટે મજબૂર થઇ.
સ્વરાએ પોતાની ટીમ સાથે આ મજૂરોને ઘરભેગા કરવા માટે મજૂરોની સંખ્યાની જાણકારી મેળવી હતી. આ પછી સ્વરાએ દિલ્હી સરકારના સહયોગથી મજૂરોને ટિકીટ અપાવાનું સુનિશ્ચિત કરાવ્યું. તેણે અત્યાર સુધીમાં ૧૩૫૦ મજૂરોને ઉત્ર પ્રદેશ અને બિહાર પોતાના ઘરે મોકલ્યા છે.
સોનૂ સૂદ અને અભિનેતા પ્રકાશ રાજે પણ આ જ બીડુ ઝડપ્યું છે. લાખો લોકોએ લોડડાઉનમાં સરકાર પાસે પોતાના ઘરે પહોંચવા માટે પોકાર કરી હતી.