| Image : Kung Fu Hustle/Social Media |
Jackie Chan Tribute Bruce Leung : પ્રખ્યાત માર્શલ આર્ટિસ્ટ અને "કુંગ ફુ હસ્ટલ" ફિલ્મના અભિનેતા બ્રુસ લિયુંગનું 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લિયુંગ સિઉ-લંગ તરીકે પણ જાણીતા હતા. મીડિયા અહેવાલ મુજબ, બ્રુસ લિયુંગનું 14 જાન્યુઆરી, 2026ના રોજ અજ્ઞાત કારણોસર નિધન થયું હતું. તેમના પરિવારે અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી છે, જેમાં 26 જાન્યુઆરીએ ચીનના શેનઝેનના લોંગગાંગ જિલ્લામાં અંતિમ વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવંગત એક્ટરની અંતિમ સંદેશ
ચીન સ્થિત ટિકટોકની સહયોગી કંપની ડોયિનમાં લિયુંગે ભાવુક પોસ્ટ કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં તેમણે લખ્યું હતું કે, "હું એક ફિલ્મ બનાવવા માટે બહું દૂર જતો રહ્યો છું. અલવિદા કહ્યા વિના જવાથી મને માફ કરજો. બસ એટલું સમજી લેજો કે, હું એક ફિલ્મના શૂટિંગ માટે બહુ દૂર જતો રહ્યો છું. હું તેને ગુપ્ત રાખવા માંગતો હતો, તેથી મારા નજીકના શિષ્યએ હંમેશાની જેમ વીડિયો પોસ્ટ કરવાનું ચાલુ રાખ્યું. મને થોડું રહસ્ય જાળવવાનું ગમે છે. તમે ખુશ રહો. મારો પ્રેમ હંમેશા તમારી સાથે છે. યાદ રાખો કે હું તમને બધાને પ્રેમ કરું છું."

જેકી ચેને શોક વ્યક્ત કર્યો
અભિનેતાના અવસાન પર શોક વ્યક્ત કરતા "કુંગ ફુ હસ્ટલ"ના ડાયરેક્ટર અને એક્ટર સ્ટીફન ચાઉએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, "હું હંમેશા શ્રી લિયુંગ સિઉ-લંગને યાદ રાખીશ." દિગ્ગજ અભિનેતા જેકી ચેને પણ સોશિયલ મીડિયા પર સ્વર્ગસ્થ એક્ટરના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, "એક ક્ષણ માટે તો મને વિશ્વાસ ન થયો અને હું વિશ્વાસ કરવા ઇચ્છતો પણ નહોતો. તેઓ હંમેશા કુંગ ફુના માસ્ટર હતા. તેઓ પરંપરાગત માર્શલ આર્ટ્સના ઘણી આર્ટમાં નિપુણ હતા અને દરેકમાં પોતાની અનોખી શૈલી અભિવ્યક્ત કરવામાં સક્ષમ રહેતા. તેમણે પોતાના જીવનભરના જ્ઞાનને ફિલ્મ અને ટેલિવિઝનમાં લાગુ કર્યું અને એક તેજસ્વી એક્શન ડાયરેક્ટર બન્યા."
જેકી ચેને વધુમાં કહ્યું કે, "એક એક્ટર તરીકે તેમણે ઘણી ક્લાસિક ભૂમિકાઓને જીવંત કરી છે. જે પ્રેક્ષકોએ ખૂબ વખાણી અને અમારા જેવા સાથી કલાકારો દ્વારા ખૂબ પ્રશંસા પામી. ભાઈ લિયુંગ, બેઇજિંગમાં બરફ પડી રહ્યો છે. આકાશ અંધકારમય છે અને હું તમારા વિશે વિચારી રહ્યો છું."
આ પણ વાંચો: 100 કરોડ કમાનારી ગુજરાતની આ ફિલ્મે 23 લોકોને આત્મહત્યા કરતા અટકાવ્યા, ડિરેક્ટરનો દાવો
બ્રુસ લિયુંગ અનેક માર્શલ આર્ટ ફિલ્મમાં કામ કરવા માટે જાણીતા છે, જેમાં વર્ષ 1977ની "ધ ડ્રેગન લિવ્સ અગેઈન" અને વર્ષ 1978ની "મેગ્નિફિસેન્ટ બૉડીગાર્ડ્સ" સામેલ છે. વર્ષ 2004માં તેમણે સ્ટીફન ચાઉની "કુંગ ફુ હસલ" માં ખલનાયક બીસ્ટ તરીકે શાનદાર વાપસી કરી હતી.


