'મારું જીવન બરબાદ કરી દીધુ', જાણીતા સિંગર કુમાર સાનુ પર પૂર્વ પત્નીએ લગાવ્યા ચોંકાવનારા આરોપ
Singer Kumar Sanu Ex-Wife: રીટાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેના લગ્ન સંબંધની વાતો કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેના લગ્ન બાદ કુમાર સાનુ અને તેના પરિવારે તેને ખૂબ ત્રાસ આપ્યો હતો. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે કુમાર સાનુ અને તેનો પરિવાર તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. તબીબી સારવારનો ખર્ચો ઉપાડવા તેણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. રીટાએ ઇન્ટરવ્યૂમાં કુમાર સાનુના અફેરને લઈને ચોંકાવનારો ખુલાસો પણ કર્યો હતો.
'કુમારનું અફેર ચાલી રહ્યું હતું'
રીટા ભટાચાર્યએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'હું બે બાળકોની માતા છું. મેં ક્યારેય અલગ થવાનું વિચાર્યું નહોતું. જ્યારે ફિલ્મ 'આશિકી'ની સફળતા મળી ત્યારબાદથી કુમાર સાનુનું મારા પ્રત્યે વર્તન સાવ બદલાઈ ગયું હતું. કુમારનું અન્ય યુવતી સાથે અફેર ચાલી રહ્યું હતું તે સમયે તેને મારા પર ખોટો આરોપ મૂક્યો કે મેં વિશ્વાસઘાત કર્યો, હું નાની હતી. ગર્ભવતી હોવા છતાં છૂટાછેડા માટે મને કોર્ટમાં ખેંચીને લઈ ગયા.'
પરિવારનો ત્રાસ
રીટા ભટાચાર્યએ ઇન્ટરવ્યૂમાં તેના સાસરિયા સામેના વર્તનને લઈને પણ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું, 'હું ગર્ભવતી હતી ત્યારે મને કુમારનો પરિવાર ઘરમાં ગોંધી રાખતો હતો. ઘરની બહાર જવાની પરવાનગી નહોતી, મેં ક્યારેય ચહેરા પર મેકઅપ નથી લગાવ્યો કારણકે મને બ્યૂટીપાર્લર જવાની પણ પરવાનગી નહોતી. કોઇ સાથે દોસ્તી કરવાની પણ ના પાડવામાં આવી હતી. કુમાર તેની બહેન અને અન્ય પરિવારના સભ્યો સાથે અલગ રૂમમાં રહેતો અને મને અલગ રૂમમાં રહેવા કહ્યું હતું, રસોડાને તાળુ મારી મને જમવાનું પણ નહોતા આપતા. હું સગા સંબંધીના ઘરે એક વાટકી ચોખા ખરીદીને ખીચડી બનાવતી હતી. કુમારે તો બાળકોને દુધ આપવાનું પણ બંધ કરાવ્યું હતું. બસ રોજના 100 રૂપિયા આપતો. જ્યારે બાળકો માટે જમવાનું ઓર્ડર કરતી તો, તો દુકાનદાર મને કહેતા કે તે ઓર્ડર ડિલિવરી નથી કરી શકતા કારણકે સાહેબે ના પાડી છે.'