કાશ.. તે તારા ચાહકોને તારાથી દૂર ન કર્યા હોત! : કૃતિ સેનન
- સુશાંતના અવસાન પર ભાવુક બની કૃતિ સેનન, ઇન્સ્ટાગ્રામ પર દુખ વ્યક્ત કર્યું
મુંબઇ, તા. 16 જૂન 2020, મંગળવાર
બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી લોકો દુખી અને સ્તબ્ધ થઇ ગયા છે. સુશાંતે રવિવારે મુંબઇના બાંદ્રા સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી દીધી હતી. સુશાંતના અવસાનના બે દિવસ પછી કૃતિ સેનને સોશિયલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ લખીને પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.
કૃતિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લખ્યુ છે, 'Sush.. હું જાણું છું કે તારુ દિમાગ જ્યાં એક તરફ તારું મિત્ર હતું ત્યારે સૌથી મોટું દુશ્મન પણ. પરંતુ એ વાતે મને તોડી દીધી છે કે તને મોત વધારે સરળ લાગી અને જિદંગી જીવવી મુશ્કેલ. કાશ તારી પાસે લોકો હોત જે તને આ ક્ષણમાંથી બહાર નિકાળી શકતા. કાશ તું તારા ચાહકોને ખુદથી દૂર ન કરતો. કાશ તારા અંદર ભાંગી પડેલા ઇમોશનને હું જોડી શકતી પર હું ન કરી શકી.'
કૃતિએ આગળ લખ્યું - હું તારા માટે ઘણુ બધુ કરવાની ઇચ્છા ધરાવું છું. મારા હૃદયનો એક હિસ્સો તારી સાથે ચાલ્યો ગયો અને એક હિસ્સો હંમેશા મારી સાથે જીવંત રહેશે. હું તારી ખુશી માટે હંમેશાથી જ પ્રાર્થના કરતી હતી અને આગળ પણ કરતી રહીશ.
સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં કૃતિ સેનન પણ સામેલ હતી. આ ઉપરાંત સુશાંત સિંહ રાજપૂતની દોસ્ત રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, વરૂણ શર્મા, મુકેશ શેટ્ટી અને ક્રિસ્ટલ ડિસૂઝા સહિત કેટલાય સ્ટાર્સ સામેલ થયા હતા.