ક્રિતી સેનને 84 કરોડમાં સી ફેસિંગ પેન્ટ હાઉસ ખરીદ્યું
- એક વર્ષ પહેલાં અલીબાગમાં પ્લોટ ખરીદ્યો હતો
- મુંબઈના બાંદરામાં અન્ડરકન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ચોરસ ફૂટ દીઠ 1.18 લાખના ભાવે રોકાણ
મુંબઈ : ક્રિતી સેનને મુંબઈના બાંદરા પાલીહિલ વિસ્તારમાં ૮૪.૧૬ કરોડમાં એક પેન્ટહાઉસ ખરીદ્યું છે. આ બિલ્ડિંગ હજુ બંધાઈ રહી છે. તેના ૧૪મા અને ૧૫મા માળે તેણે ૬૬૩૬ ચોરસ ફૂટનું પેન્ટ હાઉસ ખરીદ્યું છે.
આ સી ફેસિંગ પેન્ટ હાઉસ સાથે તેને છ કાર પાર્કિંગ પણ એલોટ કરાશે.
ક્રિતીને આ સોદો ચોરસફૂટ દીઠ ૧.૧૮ લાખના ભાવે પડયો છે. આ પેન્ટહાઉસની બેઝિક પ્રાઈઝ ૭૮.૨૦ કરોડ છે.
તેણે આ સોદા પેટે ૩.૯૧ કરોડની સ્ટેમ્પ ડયૂટી ચૂકવી છે. પેન્ટહાઉસ ક્રિતી તથા તેની માતાના નામે લેવાયું છે. આથી મહિલા માલિક તરીકે તેમને સ્ટેમ્પ ડયૂટીમાં એક ટકાનું કન્સેશન મળ્યું છે.
સ્ટેમ્પ ડયૂટી તથા જીએસટી સહિત અન્ય ચાર્જીસ સાથે તેણે કુલ ૮૪.૧૬ કરોડ રુપિયા ચૂકવ્યા છે.
તેને આ પેન્ટ હાઉસ સાથે ૧૫મા માળે ૧૨૯૦ ચોરસ ફૂટ ક્ષેત્રફળની ટેરેસના પણ એસ્ક્લુઝિવ પઝેશન રાઈટ્સ મળશે.
બાંદરા પાલી હિલ વિસ્તાર બોલીવૂડ સેલિબ્રિટીઓના સૌથી પસંદીદા વિસ્તારોમાંનો એક છે. હજુ ગયાં વર્ષે જ ક્રિતીએ મુંબઈ નજીકના અલીબાગમાં એક વિશાળ પ્લોટમાં રોકાણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ક્રિતી બહુ લાંબા સમય સુધી અંધેરીમાં અમિતાભ બચ્ચનની માલિકીના ફલેટમાં ભાડુઆત તરીકે રહી હતી.