શાહરુખને ઈજાને કારણે કિંગ ફિલ્મ પાછી ઠેલાઈ જશે
- શૂટિંગ શિડયૂલમાં ફેરફારની નોબત
- હવે આવતાં વર્ષે ગાંધી જયંતીને બદલે નાતાલ વખતે રીલિઝ કરવાની ગણતરી
મુંબઈ : શાહરુખ ખાનને ખભા પર થયેલી ઈજાના કારણે તેની ફિલ્મ 'કિંગ' પાછળ ઠેલાઈ જાય તેવી સંભાવના છે. શાહરુખને ઈજા થતાં તેનાં કેટલાંક એકશન દ્રશ્યોનું શૂટિંગ થઈ શકે તેમ નથી.
તાજેતરમાં શાહરુખ તેના પુત્ર આર્યનની ઓટીટી સીરિઝના ટીઝર લોન્ચ વખતે જાહેરમાં ખભા પર સ્લિંગ સાથે દેખાયો હતો. તે પરથી જ તેની ઈજા ગંભીર હોવાનું જણાયું હતું.
'કિંગ' ફિલ્મ મૂળ શિડયૂલ પ્રમાણે આવતાં વર્ષે ગાંધી જયંતીએ રીલિઝ થવાની હતી. તેને બદલે હવે તે નાતાલ વખતે રીલિઝ કરાય તેવી ગણતરીઓ છે. શાહરુખ તેની દીકરી સુહાનાને મોટા પડદા પર પ્રમોટ કરવા માટે આ ફિલ્મ બનાવી રહ્યો છે. અભિષેક બચ્ચન ઉપરાંત દીપિકા પદુકોણ અને રાણી મુખર્જી પણ આ ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યાં છે.